ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

કોલંબિયા: દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં સોમવારે આવેલા 7.4ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. પશ્ચિમી કોલંબિયામાં આવેલા આ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 132 લોકોનાં મોત થયા છે, જ્યારે 570થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની સત્તાવાર માહિતી સામે આવી છે.
ભૂકંપની અસરને પગલે દેશભરમાં 1,575 મકાનો ધરાશાયી થયા છે અથવા ભારે નુકસાનગ્રસ્ત બન્યા છે. આ ઉપરાંત, 6 એરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચતાં તમામ કોમર્શિયલ ફ્લાઈટ્સનું સંચાલન તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોલંબિયા સરકારે ‘રાષ્ટ્રીય આપત્તિ’ જાહેર કરી છે અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી છે.
96 કિમી ઊંડાઈએ નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
કોલંબિયન જિયોલોજિકલ સર્વિસના જણાવ્યા અનુસાર, સ્થાનિક સમય મુજબ સવારે 7:34 વાગ્યે પશ્ચિમી કોલંબિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ચૌકો વિભાગના સાન જોસ ડેલ પાલ્મર નજીક જમીનમાં આશરે 96 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું.
ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોમાં નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. સંબંધિત તંત્રના અધિકારીઓ અસરગ્રસ્ત પ્રાંતોની રાજધાનીઓ, સ્થાનિક મેયર અને તેમની ટીમોના સતત સંપર્કમાં છે. અસરગ્રસ્ત લોકો સુધી જરૂરી રાહત સામગ્રી પહોંચાડવા માટે કામગીરી ચાલી રહી છે.
ભૂકંપ બાદ રાહત કામગીરી તેજ
કોલંબિયા સરકારે કુદરતી આપત્તિની ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે રાહત અને બચાવ કામગીરીને ઝડપી બનાવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે.
વૈશ્વિક નેતાઓએ વ્યક્ત કરી સંવેદના
કોલંબિયામાં સર્જાયેલી આ ગંભીર કુદરતી આપત્તિ બાદ વિશ્વના અનેક નેતાઓએ શોક અને સંવેદના વ્યક્ત કરી છે તેમજ જરૂર પડ્યે સહાયની ખાતરી આપી છે.
ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને કોલંબિયાના લોકો, મૃતકોના પરિવારો, ઈજાગ્રસ્તો અને અસરગ્રસ્ત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે મુશ્કેલીના આ સમયમાં કોલંબિયા ફ્રાન્સના સમર્થન અને મિત્રતા પર ભરોસો રાખી શકે તેમ જણાવ્યું હતું.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ પણ ભૂકંપમાં જાનહાનિ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કોલંબિયા તથા અસરગ્રસ્ત લોકોને સહાય કરવા સક્ષમ દેશો અને સંસ્થાઓને આગળ આવવાની અપીલ કરી હતી.
ઈટાલીના વડાપ્રધાન મેલોનીએ પણ કોલંબિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે અસરગ્રસ્ત પરિવારો તેમજ બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા લોકો સાથે એકતા દર્શાવી હતી.
