ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
NEET અને CJP આંદોલન મુદ્દે રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના વિપક્ષી સાંસદો આજે સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે

નવી દિલ્હી: દિલ્હીમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીને લઈને વિપક્ષે કેન્દ્ર સરકાર સામે મોરચો માંડ્યો છે. મંગળવારે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી, રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સહિત વિવિધ પક્ષોના સાંસદો સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી વિરોધ માર્ચ કાઢશે. આ નિર્ણય વિપક્ષી ફ્લોર લીડર્સની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓના મુદ્દે વિપક્ષ એકજૂથ
વિપક્ષનું કહેવું છે કે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને ટીયર ગેસના ઉપયોગને લઈને સરકાર જવાબ આપે. બપોર પછી યોજાનારી આ વિરોધ યાત્રામાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આરજેડી સહિતના અનેક વિપક્ષી પક્ષોના સાંસદો ભાગ લેશે અને રાષ્ટ્રપતિ સમક્ષ વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા મુદ્દાઓ રજૂ કરશે.
CJP આંદોલને રાજકીય ગરમાવો વધાર્યો
CJP દ્વારા શરૂ કરાયેલા ‘સંસદ ચલો’ આંદોલન બાદ દેશના રાજકારણમાં નવા સમીકરણો જોવા મળી રહ્યા છે. પેપર લીક, પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને યુવાનોના ભવિષ્ય જેવા મુદ્દાઓને લઈને વિખરાયેલો વિપક્ષ હવે એક મંચ પર આવી સરકારને ઘેરી રહ્યો છે.
સરકારે વાટાઘાટોનો માર્ગ અપનાવ્યો
જંતર-મંતરથી સંસદ તરફ કૂચ દરમિયાન થયેલા પોલીસ બળપ્રયોગ બાદ દેશભરમાં ચર્ચા તેજ બની છે. વધતા દબાણ વચ્ચે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ CJPના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. જોકે, CJPનું કહેવું છે કે માંગણીઓને લઈને કોઈ સ્પષ્ટ આશ્વાસન મળ્યું નથી અને આંદોલન યથાવત રહેશે.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ વધુ તેજ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, સમાજવાદી પાર્ટી સહિતના વિપક્ષી નેતાઓએ શિક્ષણ વ્યવસ્થામાં ગેરરીતિઓના મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ફરી દોહરાવી છે. વિપક્ષ સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચાની પણ માંગ કરી રહ્યો છે.
