બાલાસિનોરના સલિયાવાડી ગામે મહીસાગર LCBનો દરોડો: ₹4.61 લાખનો વિદેશી દારૂ જપ્ત, એક આરોપી ઝડપાયો…

લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

મકાનમાંથી 1,614 વિદેશી દારૂની બોટલો મળી આવી, પ્રોહિબિશનનો નોંધપાત્ર ગુનો નોંધાયો

મહીસાગર: પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રીમતી વિધિ ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસનના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેના અનુસંધાને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પ્રોહિબિશન અંગે સઘન વોચ અને તપાસ કરવામાં આવી રહી હતી.

આ દરમિયાન એલ.સી.બી.ની ટીમ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ વિક્રમભાઈ વિરાભાઈ તથા આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ભલાભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે સલિયાવાડી ગામના રહેવાસી પ્રવિણભાઈ દલપતભાઈ ઠાકોર પોતાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખ્યો છે.

ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે પંચોની હાજરીમાં આરોપીના મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની કુલ 1,614 બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹4,61,248 હોવાનું સામે આવ્યું હતું.

જપ્ત કરાયેલા દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. સમગ્ર મુદ્દામાલ કબજે કરીને બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન હેઠળ નોંધપાત્ર ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહીસાગર એલ.સી.બી.ની આ સફળ કામગીરીથી જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપારમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે.



આ પણ વાંચો :-