સાબરમતી ટર્મિનલની નવી બિલ્ડિંગમાં કોપર પાઈપોની ચોરીની ચર્ચા, 4-5 દિવસથી AC બંધ; મુસાફરો-કર્મચારીઓ પરેશાન

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

Kalam Ki Sarkar News / અમદાવાદ: અમદાવાદના સાબરમતી ટર્મિનલ (SBIB) સ્ટેશન પર અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ તૈયાર કરવામાં આવેલી ભવ્ય મુખ્ય બિલ્ડિંગમાં છેલ્લા 4-5 દિવસથી એર કન્ડિશનિંગ સિસ્ટમ ઠપ્પ હોવાની માહિતી સામે આવી છે. ઉનાળાની ગરમીમાં AC બંધ રહેતાં મુસાફરો તેમજ રેલવે કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને AC વેટિંગ રૂમમાં બેસતા મુસાફરો માટે સ્થિતિ વધુ કફોડી બની છે.

કોપર પાઈપો કાપીને ચોરી કરી હોવાની ચર્ચા

મળતી માહિતી મુજબ, સ્ટેશનની મુખ્ય બિલ્ડિંગના ઉપરના ભાગેથી AC સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતા કિંમતી કોપર એટલે કે તાંબાના પાઈપો કાપીને ચોરી કરી જવામાં આવ્યા હોવાની ચર્ચા છે. કોપર પાઈપો ગાયબ થઈ જતાં બિલ્ડિંગના અનેક એર કન્ડિશનિંગ યુનિટ્સ એકસાથે બંધ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ અંગે રેલવે તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે નિવેદન આપવામાં આવ્યું નથી.

કોન્ટ્રાક્ટરે ચાર્જ ન સોંપતા રિપેરિંગમાં વિલંબ

સાબરમતી ટર્મિનલ ખાતે હાલ સ્ટેશન રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન કોન્ટ્રાક્ટરે નવી બિલ્ડિંગનો સત્તાવાર ચાર્જ હજુ સુધી રેલવે તંત્રને સોંપ્યો નથી. ચાર્જ હેન્ડઓવર ન થયો હોવાથી AC સિસ્ટમમાં ખામી સર્જાયા બાદ તેના સમારકામની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે.

AC બંધ રહેતાં મુસાફરોની સાથે બિલ્ડિંગમાં ફરજ બજાવતા રેલવે કર્મચારીઓને પણ ગરમી વચ્ચે કામ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

કરોડોના પ્રોજેક્ટમાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો

કેન્દ્ર સરકારની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. સ્ટેશન પરિસરમાં RPF અને GRPની સુરક્ષા તૈનાત હોવા ઉપરાંત CCTV સર્વેલન્સની વ્યવસ્થા પણ છે. તેમ છતાં જો કિંમતી કોપર પાઈપોની ચોરી થઈ હોવાની વાત સાચી હોય તો સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થાય છે.

મુસાફરો અને રેલવે સ્ટાફ દ્વારા સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવામાં આવે અને AC ખરેખર કોપર પાઈપોની ચોરીના કારણે બંધ છે કે પછી અન્ય કોઈ ટેકનિકલ કારણોસર, તેની તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.



આ પણ વાંચો :-