આણંદ જિલ્લાના દાવોલ ગામમાં પર્યાવરણપ્રેમી ગણેશ મહોત્સવની પ્રેરણાદાયક શરૂઆત

આણંદ, નીલેશ પટેલ (મંગાભાઈ) :-

બોરસદ તાલુકાના દાવોલ ગામમાં આ વર્ષની ગણેશ ચતુર્થી અનોખી રીતે ઉજવાતી જોવા મળી રહી છે. ગામના યુવાનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે જન જાગૃતિ ફાઉન્ડેશનના સ્થાપક રોનકસિંહ ગોહેલ દ્વારા સૌપ્રથમ વખત ગામના તમામ 22 મંડળોને ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓનું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે વિશેષ મહેમાન તરીકે હાજર રહેલા નાયબ દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું કે, “પર્યાવરણ જતન આજના યુગની સૌથી મોટી જરૂરિયાત છે. દાવોલ ગામે આ પહેલ કરી છે તે ખરેખર પ્રશંસનીય છે.”

જ્યારે બોરસદ શહેર P.I. પી.બી. જાદવએ કહ્યું કે, “ગામના તમામ મંડળો દ્વારા સંકલ્પ લેવાયો છે કે પ્રતિમા વિસર્જન દરમિયાન પર્યાવરણને નુકસાન ન પહોંચે તે માટે યોગ્ય રીત અપનાવવામાં આવશે. આ વિચાર ગામને આગવી ઓળખ અપાવશે.”

ગામના યુવાનો અને મંડળના સભ્યોમાં પણ આ પહેલ અંગે ભારે ઉત્સાહ જોવા મળ્યો. એક મંડળના પ્રતિનિધિએ કહ્યું કે, “આગળથી દર વર્ષે અમે કુદરતી પ્રતિમાઓ જ સ્થાપિત કરીશું અને સ્વચ્છતા માટે ગામભરમાં જાગૃતિ લાવીશું.”

દાવોલ ગામમાંથી શરૂ કરાયેલી આ અનોખી પહેલ હવે સમગ્ર બોરસદ તાલુકા તથા આસપાસના વિસ્તારોમાં પણ ઇકો-ફ્રેન્ડલી ગણેશ મહોત્સવ ઉજવવા પ્રેરણા પૂરું પાડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.