ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

Kalam Ki Sarkar News / મહારાષ્ટ્ર: કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ચીફ અભિજિત દીપકેએ મહારાષ્ટ્રની ભાજપ સરકાર સામે ફરી એકવાર આંદોલન કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર લોક સેવા આયોગ (MPSC)ની પરીક્ષાઓમાં પેપર લીક અને ઓનલાઈન પરીક્ષાઓમાં અનિયમિતતાના વિરોધમાં આ લડત ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. પૂણેમાં MPSCની તૈયારી કરતા 28 વર્ષીય પ્રથમેશ દેશમુખની આત્મહત્યા બાદ દીપકેએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
MPSC પેપર લીક અને પરીક્ષાઓમાં ગેરરીતિ સામે ફરી મોરચો
કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજિત દીપકે અને અન્ય નેતાઓ MPSC દ્વારા યોજાતી ઓનલાઈન પરીક્ષાઓમાં પેપર લીક અને અનિયમિતતા સામે ચાલી રહેલા પ્રદર્શનમાં જોડાશે. અગાઉ MPSCના કેટલાક અભ્યાર્થીઓએ છત્રપતિ સંભાજીનગરના વાલુજ વિસ્તારમાં આવેલા દીપકેના ઘરે તેમની મુલાકાત લીધી હતી. ત્યારબાદ દીપકેએ આંદોલન અંગેની જાહેરાત કરી હતી.
24 સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ, માંગ પૂરી નહીં થાય તો રાજ્યવ્યાપી પ્રવાસ
CJP દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે MPSCના અધ્યક્ષ અને સચિવના રાજીનામાની માંગ સાથે આંદોલન આગળ પણ ચાલુ રહેશે. જો 24 સપ્ટેમ્બર સુધીમાં આ માંગણી પૂરી કરવામાં નહીં આવે, તો MPSCના અભ્યાર્થીઓ સાથે મળીને રાજ્યવ્યાપી પ્રવાસ કરવામાં આવશે.
દીપકેએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી રાજીનામું નહીં મળે ત્યાં સુધી તેઓ વિદ્યાર્થીઓની આ લડાઈમાં તેમની સાથે ઊભા રહેશે.
પ્રથમેશ દેશમુખની આત્મહત્યા બાદ સરકાર પર પ્રહાર
પૂણેમાં MPSCની તૈયારી કરતા 28 વર્ષીય પ્રથમેશ દેશમુખે આત્મહત્યા કરી લીધી હતી. તેના પાસેથી મળેલી સુસાઇડ નોટમાં અંદાજે 2.5 લાખ રૂપિયાના દેવાનો ઉલ્લેખ હોવાની માહિતી સામે આવી હતી.
અભિજિત દીપકેએ પ્રથમેશના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે પેપર લીક અને પરિણામોમાં વિલંબના કારણે વિદ્યાર્થીઓ પર માનસિક દબાણ વધી રહ્યું છે અને આ જ દબાણને કારણે આ ઘટના બની છે. દીપકેએ આ સ્થિતિને સિસ્ટમ દ્વારા કરાયેલી હત્યા સમાન ગણાવી હતી.
મનોજ જરાંગે અને સોનમ વાંગચુકના મુદ્દે સરકાર પર નિશાન
અભિજિત દીપકેએ મહારાષ્ટ્રમાં સરકાર વિરુદ્ધ આંદોલન કરી રહેલા મનોજ જરાંગેની મુલાકાત લઈને તેમને સમર્થન જાહેર કર્યું છે. દીપકેએ સરકાર પર પ્રહાર કરતા સવાલ કર્યો હતો કે શું સરકાર જરાંગેને સોનમ વાંગચુકની જેમ 26 દિવસ સુધી ભૂખ્યા રાખવા માંગે છે?
તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે જો કોઈએ મનોજ જરાંગેને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો તો આખો મહારાષ્ટ્ર મેદાને ઉતરશે.
