ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે પરંપરાગત રીતે ગણેશ સ્થાપના, DJના ઘોંઘાટ વિના ‘જય ગણેશ’ની ધૂનથી ગુંજી ઉઠ્યું વાતાવરણ…

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

Kalam Ki Sarkar News / ગોધરા: પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે ધાર્મિક પરંપરા અને શ્રદ્ધાભેર ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. વિઘ્નહર્તા અને મંગલમૂર્તિ ગણાતા શ્રી ગણેશજીની સ્થાપનાથી સમગ્ર પોલીસ હેડક્વાર્ટરનું વાતાવરણ ભક્તિ અને આધ્યાત્મિકતાથી ભરાઈ ગયું હતું.

હિંદુ ધર્મમાં શુભ કાર્યના આરંભે ભગવાન શ્રી ગણેશજીને પ્રથમ પૂજનીય દેવ તરીકે સ્થાન આપવામાં આવે છે. બુદ્ધિ, વિવેક, સમૃદ્ધિ અને સુખ-શાંતિના પ્રતિક ગણાતા ગણપતિ બાપાને વિઘ્નો દૂર કરનાર અને મંગલ કરનાર દેવ તરીકે શ્રદ્ધાપૂર્વક પૂજવામાં આવે છે. ગણેશ સ્થાપનાનો આ પાવન પ્રસંગ માત્ર ધાર્મિક વિધિ પૂરતો સીમિત ન રહેતા એકતા, સદભાવના અને સકારાત્મક ઊર્જાનો સંદેશ પણ આપતો જોવા મળ્યો હતો.

આ પ્રસંગે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હરેશ દુધાત સાહેબ, ડીવાયએસપી શ્રીમતી બ્રિન્દા જાડેજા સાહેબ, એપીએમસીના ચેરમેન માલવદીપસિંહ રાઉલજી તેમજ પોલીસ વિભાગના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ગોધરા નગરપાલિકાના પદાધિકારીઓ તથા નગરજનો પણ જોડાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ભગવાન ગણેશજીની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા.વિશેષ વાત એ રહી કે સમગ્ર કાર્યક્રમ દરમિયાન DJના ધમધમાટ કે ભારે શોરબકોરને બદલે ભક્તિભાવપૂર્વક ‘જય ગણેશ, જય ગણેશ’ની ધૂન અને આરતીના સ્વરો ગુંજી ઉઠ્યા હતા. શિસ્ત અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલી આ ધાર્મિક ઉજવણીમાં આધ્યાત્મિક આનંદ સાથે સાદગી અને સંસ્કૃતિનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.

ગણપતિ બાપાની આરતી દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, એપીએમસીના ચેરમેન ઉપરાંત નગરપાલિકાના પદાધિકારીઓ અને ઉપસ્થિત નગરજનોએ પણ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. આરતીના પવિત્ર વાતાવરણમાં ઉપસ્થિત સૌએ સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સર્વજનના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.પોલીસ વિભાગ દ્વારા ફરજ અને કાયદો-વ્યવસ્થાની જવાબદારી વચ્ચે ધાર્મિક પરંપરાને પણ શ્રદ્ધાપૂર્વક જાળવી રાખવાનો આ પ્રસંગ નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ગણેશજીના આગમન સાથે પોલીસ હેડક્વાર્ટરમાં ભક્તિ, શાંતિ અને સકારાત્મકતાનો માહોલ છવાઈ ગયો હતો.



આ પણ વાંચો :-