નસવાડી APMCની 16 બેઠકો માટે ફોર્મ ચકાસણી પૂર્ણ, કુલ 33માંથી 32 ફોર્મ મંજૂર અને 1 ફોર્મ રદ…

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન. કુરેશી :-

નસવાડી, છોટાઉદેપુર: નસવાડી એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ની કુલ 16 બેઠકો માટેની ચૂંટણી પ્રક્રિયા હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આજે ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન ભરાયેલા કુલ 33 ફોર્મમાંથી 32 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા, જ્યારે 1 ફોર્મ નામંજૂર (રદ) કરવામાં આવ્યું છે.

ખેડૂત વિભાગના 29માંથી 28 ફોર્મ મંજૂરખેડૂત વિભાગમાંથી સૌથી વધુ 29 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. ચકાસણી દરમિયાન તેમાંથી 1 ફોર્મ રદ થતાં કુલ 28 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે.

જ્યારે ખરીદ વિભાગમાંથી ભરાયેલા બંને ફોર્મ માન્ય ઠર્યા છે. વેપારી વિભાગમાંથી ભરાયેલા બંને ફોર્મ પણ મંજૂર કરવામાં આવ્યા છે. આમ, ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ કુલ 32 ઉમેદવારોના ફોર્મ યોગ્ય ઠર્યા છે.

હવે 2 સપ્ટેમ્બરે સૌની નજરચૂંટણી અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 2 સપ્ટેમ્બર 2026ના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. 2 સપ્ટેમ્બરે કેટલા ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચે છે, તેના આધારે ચૂંટણી મેદાનમાં કેટલા ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો થશે તેનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે.

ઉલ્લેખનીય છે કે જો બિનહરીફ સ્થિતિ સર્જાશે નહીં, તો 9 સપ્ટેમ્બર 2026ના રોજ મતદાન યોજાશે અને 10 સપ્ટેમ્બર 2026ના રોજ મતગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવશે.ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે નસવાડી APMCની ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.