નસવાડીમાં કબડ્ડીનો રોમાંચ, 9 ટીમો વચ્ચે જામ્યો ખરાખરીનો જંગ…

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન. કુરેશી :-

નસવાડી: નસવાડીના એસ.બી. સોલંકી વિદ્યામંદિર ખાતે કબડ્ડી પ્રેમીઓ દ્વારા ભવ્ય કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક રમતવીરોને મંચ આપવા તેમજ બાળકોમાં રમત પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી યોજાયેલી આ સ્પર્ધામાં નસવાડી સહિત કોસીન્દ્રા, આમલેથા, બોડેલી, છોટાઉદેપુર, કવાંટ, GVT તેમજ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને રાજપીપળાની કુલ 9 ટીમોએ ભાગ લીધો હતો.

ટુર્નામેન્ટ દરમિયાન મેદાન પર ખેલાડીઓ વચ્ચે રોમાંચક અને ખરાખરીના મુકાબલા જોવા મળ્યા હતા. ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક પોતાની રમતનું પ્રદર્શન કરતાં સમગ્ર વાતાવરણમાં કબડ્ડીનો રોમાંચ છવાયો હતો.આ ટુર્નામેન્ટનું આયોજન આયોજક પ્રકાશભાઈ રાઠવા અને તેમની ટીમ દ્વારા સ્વખર્ચે કરવામાં આવ્યું હતું. સ્વખર્ચે ટુર્નામેન્ટનું આયોજન કરીને તેમણે ખેલદિલીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ખેલાડીઓની સુરક્ષા અને તાત્કાલિક આરોગ્યસેવા માટે નસવાડી PHCના આરોગ્ય કર્મી જિગ્નેશભાઈ રાઠવા મેડિકલ ટીમ સાથે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન હાજર રહ્યા હતા.

આ ઉપરાંત તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ સુરેશભાઈ પંચોલી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો.

કબડ્ડી ટુર્નામેન્ટને પગલે સમગ્ર પંથકના રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સ્થાનિક રમતવીરોને પોતાની પ્રતિભા દર્શાવવા માટે એક સારું મંચ મળ્યું હતું.