અમદાવાદમાં RMC કંપનીના કર્મચારીએ પત્ની અને કાકા સાથે મળી રૂ. 1.45 કરોડની ઉચાપત કરી હોવાનો આરોપ, ફરિયાદ નોંધાઈ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

અમદાવાદ: અમદાવાદની એક રેડી-મિક્સ કોંક્રિટ (RMC) અને બાંધકામ કંપનીના નામે કથિત રીતે બોગસ બિલ તથા વાઉચર બનાવી અને ગ્રાહકો પાસેથી મળેલા નાણાં અંગત ખાતામાં ડાયવર્ટ કરીને રૂ. 1.45 કરોડની ઉચાપત કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં કંપનીના પ્લાન્ટ ઇન્ચાર્જ અને સેલ્સ એક્ઝિક્યુટિવ ભાવિક શાહ, તેની પત્ની ખુશ્બુબહેન શાહ અને કાકા મનોજ શાહ સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ગ્રાહકો પાસેથી મળેલા નાણાં અંગત ખાતામાં ડાયવર્ટ કર્યાનો આરોપ

આ મામલે કંપનીના ડિરેક્ટર અંકિત શાહે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ભાવિક શાહ કંપનીમાં ગ્રાહકો પાસેથી ઓર્ડર લેવા તેમજ પેમેન્ટ એકત્રિત કરવાની કામગીરી સંભાળતો હતો.

જૂન મહિનામાં રાજા નામના એક ગ્રાહકે બાકી નીકળતી રકમ અંગે કંપનીના ડિરેક્ટર સાથે વાતચીત કરતાં કથિત ગેરરીતિનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારબાદ કરવામાં આવેલી આંતરિક ઓડિટમાં સામે આવ્યું હતું કે કંપનીના નામે બિલ બનાવીને મળેલી રકમ અંગત લાભ માટે ડાયવર્ટ કરવામાં આવી હતી. આ રીતે ડાયવર્ટ કરાયેલી કથિત રકમ રૂ. 99.41 લાખ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ ઉપરાંત કંપનીના માલસામાનના બિલ અન્ય પેઢીઓના નામે બનાવી વેચાણ કરીને પણ રકમ ચાંઉ કરી લેવાઈ હોવાનો આરોપ છે. ‘એફિનિટી બિલ્ડકોન’ અને ‘એસક્યુએસ/પ્રોફિશિયન્ટ’ સાથે સંકળાયેલા વ્યવહારોમાં રૂ. 27.74 લાખ ડાયવર્ટ કરાયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

બનાવટી સહીવાળી પહોંચ રજૂ કર્યાનો આરોપ

ફરિયાદીનો આરોપ છે કે ભાવિક શાહે છારોડી સ્થિત એક ફ્લેટ માટે બિલ્ડરને ચુકવણી કરવાના બહાને રૂ. 10 લાખ મેળવ્યા હતા. જોકે, બાદમાં તેણે બિલ્ડરની કથિત બનાવટી સહીવાળી પહોંચ રજૂ કરી હતી. બિલ્ડરે આવી કોઈ રકમ મળી ન હોવાનું તેમજ પહોંચ પરની સહી બનાવટી હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

ફ્લેટ ટ્રાન્સફર કરવાની ઓફર કરી હતી

કંપની દ્વારા શરૂઆતમાં ઉચાપતની રકમ રૂ. 1.37 કરોડ જેટલી હોવાનું અંદાજવામાં આવ્યું હતું. તે સમયે ખુશ્બુબહેન અને મનોજ શાહે નાણાં પરત કરવાની ખાતરી આપી ફ્લેટ ટ્રાન્સફર કરવાની ઓફર કરી હતી.

ફ્લેટ પર રૂ. 16.71 લાખની બેંક લોન ભરવા માટે તેમણે ફરિયાદી પાસેથી કુલ રૂ. 8.40 લાખ મેળવ્યા હતા. આરોપીઓએ ફ્લેટનું દસ્તાવેજી કામ કર્યું હતું, પરંતુ બેંકમાંથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપ્યું નહોતું. તેમજ લોનના હપ્તા પણ ભર્યા ન હોવાનું બહાર આવ્યું હતું.

મનોજ શાહની કંપની માટે ગુપ્ત રીતે કામ કરવાનો પણ આરોપ

ફરિયાદમાં વધુમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ભાવિક શાહ કંપની પાસેથી નિયમિત પગાર મેળવતો હોવા છતાં ગુપ્ત રીતે મનોજ શાહની કંપની માટે કામ કરતો હતો અને તેના બદલામાં કમિશન મેળવતો હતો.

આ તમામ વ્યવહારોને જોડીને કુલ રૂ. 1.45 કરોડની ઉચાપત થઈ હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે. સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.



આ પણ વાંચો :-