છોટા ઉદેપુરમાં કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો: ડ્રાઇવર ફરાર, રૂ. 13.96 લાખનો મુદ્દામાલ જપ્ત…

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન. કુરેશી :-

છોટા ઉદેપુર: દારૂબંધીના કાયદાના કડક અમલ અંતર્ગત છોટા ઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા સાંપડી છે. LCBની ટીમે ડોન બોસ્કો બ્રિજ પાસેથી બિનવારસી ઇનોવા કારમાંથી રૂ. 3.96 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કાર સહિત કુલ રૂ. 13,96,832નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, LCB સ્ટાફ છોટા ઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ. ડામોરને ચોક્કસ બાતમી મળી હતી કે, અંબાલા ગામ તરફથી છોટા ઉદેપુર તરફ આવી રહેલી GJ-01-WJ-8172 નંબરની ઇનોવા કારમાં ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે સુરખેડા ગામે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતાં પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે, કારચાલકે ગાડી ઊભી રાખવાને બદલે છોટા ઉદેપુર તરફ ભગાવી મૂકી હતી. પોલીસે તાત્કાલિક તેનો પીછો કર્યો હતો.

પોલીસ પીછો કરી રહી હોવાની જાણ થતાં કારચાલકે ડોન બોસ્કો બ્રિજ પાસે કાર રોડની સાઇડમાં ઊભી રાખી દીધી હતી અને અંધારાનો લાભ લઈ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

ત્યારબાદ પોલીસે ઇનોવા કારની તલાશી લેતાં તેની ડિક્કી તથા વચ્ચેની સીટના ભાગે મૂકેલા કાગળના બોક્સમાંથી બિયરના ટીન અને વિદેશી દારૂની પ્લાસ્ટિક ક્વાર્ટર બોટલો મળી આવી હતી.

પોલીસે રૂ. 3,96,832ની કિંમતની કુલ 1,456 બોટલ/ટીન દારૂ-બિયર તેમજ રૂ. 10,00,000ની કિંમતની ઇનોવા કાર મળી કુલ રૂ. 13,96,832નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ મામલે છોટા ઉદેપુર પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.



આ પણ વાંચો :-