ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
ગૌચર જમીન ફાળવવાની રજૂઆત સાથે જિલ્લા કલેક્ટરને દરખાસ્ત મોકલવાની ગ્રામજનોની માંગ

હાલોલ: હાલોલ તાલુકાના બાસ્કા ગામ ખાતે યોજાયેલી ગ્રામસભામાં ગામના વિકાસલક્ષી વિવિધ મુદ્દાઓ સાથે આટલવાડી યોજના અંતર્ગત સમાજઘર નિર્માણનો મુદ્દો મુખ્ય ચર્ચાનો વિષય બન્યો હતો. ગ્રામજનોએ ગામમાં સમાજઘરની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.
સરકારશ્રીની આટલવાડી યોજના મુજબ ગામતળની ઉપલબ્ધ જમીન પર સમાજઘરનું નિર્માણ કરી શકાય છે. જોકે, બાસ્કા ગામમાં યોગ્ય ગામતળની જમીન ઉપલબ્ધ ન હોવાથી ગ્રામસભામાં કેટલાક જાગૃત નાગરિકોએ સૂચન કર્યું હતું કે બાસ્કા નવી નગરી ખાતે આવેલી BSNL એક્સચેન્જ ઓફિસની આસપાસની પડતર ગૌચર જમીન સમાજઘર માટે યોગ્ય સ્થળ બની શકે છે.
ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે જો સરપંચશ્રી દ્વારા આ જમીન સમાજઘરના નિર્માણ માટે ફાળવવા અંગે જિલ્લા કલેક્ટરને યોગ્ય દરખાસ્ત મોકલવામાં આવે, તો બાસ્કા ગામના તમામ સમાજના લોકોને આટલવાડી યોજનાનો લાભ મળી શકશે.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે સમાજઘરનું નિર્માણ થવાથી ગામમાં ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે કાયમી સુવિધા ઉપલબ્ધ થશે અને હિંદુ-મુસ્લિમ સહિત સર્વ સમાજના લોકોને તેનો લાભ મળશે.
ગ્રામસભામાં ઉપસ્થિત લોકોએ સરપંચશ્રીને આ બાબતે જિલ્લા કલેક્ટર સમક્ષ જરૂરી રજૂઆત કરવા અનુરોધ કર્યો હતો અને બાસ્કા ગામની આ વાજબી માંગણીને ધ્યાને લઈ વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી.
