ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
કેન્દ્ર સરકારને પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્દેશ; વીમા ચકાસણી બાદ જ ઇંધણ આપવા નવી સિસ્ટમ વિકસાવાશે

નવી દિલ્હી: દેશમાં થર્ડ-પાર્ટી વીમા વિના રસ્તા પર દોડતા વાહનો સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. અદાલતે કેન્દ્ર સરકારને પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેના હેઠળ માન્ય થર્ડ-પાર્ટી વીમા વગરના વાહનોને પેટ્રોલ પંપ પરથી ઇંધણ ન મળે તેવી વ્યવસ્થા વિકસાવવામાં આવશે.
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે જણાવ્યું કે દેશમાં મોટી સંખ્યામાં વાહનો વીમા વગર ચાલતા હોવાથી અકસ્માત પીડિતોને સમયસર વળતર મળવામાં મુશ્કેલી સર્જાય છે. આથી IRDAI અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને સાથે મળીને એવી વ્યવસ્થા તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે, જેમાં વાહનના વીમાની સ્થિતિ ચકાસ્યા બાદ જ ઇંધણ આપવામાં આવે. આ પ્રક્રિયામાં ANPR (Automatic Number Plate Recognition) કેમેરાનો ઉપયોગ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે.
સંસદીય સમિતિના 2024-25ના અહેવાલ મુજબ દેશમાં નોંધાયેલા અંદાજે 30.48 કરોડ વાહનોમાંથી લગભગ 56 ટકા એટલે કે 16.54 કરોડ વાહનો થર્ડ-પાર્ટી વીમા વગરના છે. મોટર વાહન અધિનિયમ મુજબ દરેક વાહન માટે થર્ડ-પાર્ટી વીમો ફરજિયાત હોવા છતાં તેનું પૂરતું પાલન થતું નથી.
સુપ્રીમ કોર્ટે અગાઉના 2018ના આદેશનો ઉલ્લેખ કરતાં નવા વાહનો માટે થર્ડ-પાર્ટી વીમાની મુદત વધારવા પણ સૂચના આપી છે. નવા નિર્દેશ મુજબ નવી કાર માટે 4 વર્ષ અને નવા દ્વિચક્રી વાહનો માટે 6 વર્ષનો થર્ડ-પાર્ટી વીમો ફરજિયાત રાખવાની દિશામાં કાર્યવાહી કરાશે.
આ ઉપરાંત રાજ્ય પોલીસને એવી ડિજિટલ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે, જેના દ્વારા સ્થળ પર જ વાહનના વીમાની ચકાસણી કરીને ઈ-ચલાન જારી કરી શકાય. નેશનલ હાઈવે અને ટોલ પ્લાઝા પર ANPR કેમેરાને વીમા સંબંધિત ડેટાબેઝ સાથે જોડીને વીમા વગરના વાહનો સામે આપમેળે કાર્યવાહી કરવાની વ્યવસ્થા પણ વિકસાવવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ફરજિયાત થર્ડ-પાર્ટી વીમાનો હેતુ માત્ર કાનૂની પ્રક્રિયાનું પાલન કરાવવાનો નથી, પરંતુ અકસ્માત પીડિતો અને તેમના પરિવારોને સમયસર યોગ્ય વળતર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
