પંચમહાલમાં ‘એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વે’નો પ્રારંભ: સર્વેયર બનવા ઇચ્છુક નાગરિકો માટે સુવર્ણ તક…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ખરીફ સિઝન 2026-27 માટે 16 ઓગસ્ટથી ડિજિટલ પાક સર્વે શરૂ થશે; પ્રતિ સર્વે મહેનતાણું સીધું બેંક ખાતામાં જમા થશે

પંચમહાલ: જિલ્લામાં કૃષિ ક્ષેત્રને વધુ પારદર્શક અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે ‘એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વે’ અંતર્ગત ખરીફ સિઝન 2026-27 માટે જિલ્લાના વિવિધ પાકોનો GPS આધારિત ડિજિટલ સર્વે હાથ ધરવામાં આવશે. આ કામગીરી 16 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાશે.

આ મહત્વપૂર્ણ સર્વે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વેયર તરીકે કામગીરી કરવા ઇચ્છુક નાગરિકોને જોડાવા અપીલ કરવામાં આવી છે. સર્વેયરને અધિકૃત ડિજિટલ ક્રોપ સર્વે એપ્લિકેશન દ્વારા ખેડૂતોના ખેતરે જઈ પાકનો જિયો-ટેગ્ડ ફોટોગ્રાફ લઈ ઓનલાઈન એન્ટ્રી કરવાની રહેશે. એપ્લિકેશન ઓફલાઈન મોડમાં પણ કાર્યરત રહેશે અને બાદમાં ડેટા અપલોડ કરી શકાશે.

સર્વેયર તરીકે જોડાવા માટે ઉંમર કે શૈક્ષણિક લાયકાતની કોઈ મર્યાદા નથી. માત્ર એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ આવડતો હોય અને ફિલ્ડમાં કામગીરી કરવાની તૈયારી હોય તેવી કોઈપણ વ્યક્તિ આ કામગીરી કરી શકશે.

સફળતાપૂર્વક પૂર્ણ કરાયેલા દરેક પાકના સર્વે માટે રૂ.10 અને એકથી વધુ પાકના સર્વે માટે રૂ.12 પ્રતિ સર્વે મહેનતાણું DBT મારફતે સીધું બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

આ ડિજિટલ સર્વેના આધારે પાકના સચોટ આંકડા ઉપલબ્ધ થશે, કુદરતી આપત્તિ સમયે નુકસાનના સર્વેમાં ઝડપ આવશે, MSP સહિતની કૃષિ યોજનાઓના આયોજનમાં પારદર્શિતા વધશે તેમજ ખેડૂતોના ડિજિટલ પહાણી રેકોર્ડ તૈયાર કરવામાં પણ મદદ મળશે.

સર્વેયર તરીકે જોડાવા ઇચ્છુક નાગરિકોએ પોતાના તાલુકાના વિસ્તરણ અધિકારી (ખેતી), ગ્રામસેવક અથવા સંબંધિત ખેતી અધિકારીનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), પંચમહાલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



આ પણ વાંચો :-