દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ બાદ તંત્ર હાઈ એલર્ટ પર: તોફાની દરિયાને પગલે ગોમતી ઘાટ બંધ, NDRF સ્ટેન્ડબાય

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

અરબી સમુદ્રમાં ઊંચા મોજાં અને તેજ કરંટથી સુરક્ષા વધારાઈ; ઓખા બંદરે 3 નંબરનું ચેતવણી સિગ્નલ ફરકાવાયું

દેવભૂમિ દ્વારકા: હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવતાં દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. ભારે વરસાદ અને અરબી સમુદ્રમાં ઊંચા મોજાં તથા તેજ કરંટની સ્થિતિને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

શ્રદ્ધાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં દ્વારકાના ગોમતી ઘાટ પર લોકોની અવરજવર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દરિયામાં જોખમી સ્થિતિને કારણે પોલીસ દ્વારા ઘાટ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને યાત્રાળુઓને દરિયા નજીક ન જવાની સૂચના આપવામાં આવી છે.

દરિયાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓખા બંદર પર 3 નંબરનું ચેતવણી સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે. કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિનો તાત્કાલિક સામનો કરી શકાય તે માટે NDRF અને ફાયર વિભાગની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, માત્ર સત્તાવાર સૂચનાઓ પર વિશ્વાસ રાખવા અને અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.



આ પણ વાંચો :-