ફતેપુરા,(દાહોદ) આઝાદ મન્સુરી :-

દાહોદ જિલ્લા એસ.ઓ.જી. (SOG) પોલીસે સફળ કાર્યવાહી દરમિયાન સુખસર તાલુકાના લખનપુર ગામેથી એક બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. આરોપી પ્રાંજલ અસીત મંડલ (ઉંમર 20 વર્ષ, મૂળ રહેવાસી પશ્ચિમ બંગાળ) કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી કે પ્રમાણપત્ર વિના ભાડાના મકાનમાં ક્લિનિક ચલાવી ભોળી જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે ક્લિનિકમાં દરોડો પાડતા વિવિધ મેડિકલ સાધનો, ઇન્જેક્શન, દવાઓ સહિત કુલ ₹49,006નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મામલે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 125 તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક તપાસ મુજબ આરોપી પાસે તબીબી વ્યવસાય કરવા માટે જરૂરી કોઈપણ માન્ય ડિગ્રી, નોંધણી અથવા અધિકૃત પ્રમાણપત્ર ન હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે આરોપી કેટલા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતો હતો અને કેટલા લોકોને સારવાર આપી હતી તે અંગે વધુ તપાસ કરી રહી છે.