ચોમાસાની શરૂઆતમાં જ સ્માર્ટ વોટર લેવલ સિસ્ટમ ખોરવાઈ: વડોદરામાં 10માંથી 4 સેન્સર બંધ હાલતમાં…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

વિશ્વામિત્રી નદી અને જળાશયોના જળસ્તર પર નજર રાખતી સ્માર્ટ સિસ્ટમમાં ખામી, પૂર વ્યવસ્થાપન સામે ઊભા થયા સવાલ

વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં નદી અને જળાશયોના પાણીના સ્તર પર સતત નજર રાખવા લાખો રૂપિયાના ખર્ચે 10 સ્થળોએ વોટર લેવલ સેન્સર સ્થાપિત કરવામાં આવ્યા હતા. આ સેન્સર દ્વારા જળસ્તરની રિયલ-ટાઇમ માહિતી મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમ તેમજ સંબંધિત અધિકારીઓના મોબાઇલ સુધી પહોંચે છે. જોકે, ચોમાસાની શરૂઆત સાથે જ આ મહત્વપૂર્ણ વ્યવસ્થામાં ગંભીર ખામી સામે આવી છે. 10માંથી 4 વોટર લેવલ સેન્સર હાલ કાર્યરત નથી.

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ આજવા, અકોટા બ્રિજ, અશોજ ફીડર, કાલાઘોડા બ્રિજ, મંગલ પાંડે બ્રિજ, સમા-હરણી બ્રિજ, બહુચરાજી બ્રિજ, મુજમહુડા બ્રિજ, વડસર બ્રિજ અને પ્રતાપ સરોવર ખાતે વોટર લેવલ સેન્સર સ્થાપિત કરવામાં આવ્યા છે.

વર્ષ 2022 પહેલાં જળસ્તરનું માપન મેન્યુઅલ પદ્ધતિથી કરવામાં આવતું હતું. નવી ટેક્નોલોજી અમલમાં આવ્યા બાદ પાણીના સ્તરની માહિતી ઓનલાઈન ઉપલબ્ધ થવા લાગી હતી, જેના કારણે પૂર જેવી પરિસ્થિતિમાં સમયસર નિર્ણય લેવામાં સરળતા રહેતી હતી.

હાલમાં બહુચરાજી બ્રિજ, મુજમહુડા બ્રિજ, વડસર બ્રિજ અને પ્રતાપ સરોવર ખાતેના વોટર લેવલ સેન્સર બંધ હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર બે સ્થળોએ કેબલ કપાઈ જતાં સિસ્ટમ કાર્યરત રહી નથી, જ્યારે એક સ્થળે સેન્સર મેન્ટેનન્સ હેઠળ હોવાથી માહિતી ઉપલબ્ધ થઈ રહી નથી. પરિણામે આ ચાર સ્થળોના પાણીના સ્તરની ઓનલાઈન માહિતી મળી રહી નથી.

વોટર લેવલ સેન્સરનો મુખ્ય હેતુ ભારે વરસાદ અથવા પૂર જેવી સ્થિતિ દરમિયાન પાણીના સ્તરમાં થતા ફેરફારોની તાત્કાલિક માહિતી મેળવી તંત્રને એલર્ટ કરવાનો છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સમયસર સુરક્ષિત સ્થળે ખસેડી શકાય અને બચાવ કામગીરીનું અસરકારક આયોજન કરી શકાય.

તાજેતરમાં દેશના અનેક શહેરોમાં પ્રથમ વરસાદમાં જ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે વડોદરામાં પણ વરસાદી મોસમ શરૂ થઈ ચૂકી હોવા છતાં પૂર વ્યવસ્થાપન માટેની મહત્વપૂર્ણ સ્માર્ટ સિસ્ટમના ચાર સેન્સર બંધ હોવાની ઘટના તંત્રની બેદરકારી તરફ ઈશારો કરે છે. હવે વરસાદની તીવ્રતા વધે તે પહેલાં બંધ પડેલા સેન્સરોને તાત્કાલિક કાર્યરત કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.



આ પણ વાંચો :-