લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-
અકસ્માતના ભય વચ્ચે વાહનચાલકોમાં ચિંતા, રાત્રિના સમયે વધે છે જોખમ

લુણાવાડા: મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં કુંડાળ તેમજ નંદન આર્કેડ તરફ જતાં માર્ગ પર ગટર ઉપર લગાવવામાં આવેલી લોખંડની જાળીઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. અનેક જગ્યાએ જાળીઓ ખસી ગઈ હોવાનું તથા કેટલીક જાળીઓ બહાર નીકળી ગયેલી સ્થિતિમાં હોવાના કારણે વાહનચાલકોમાં ચિંતા વ્યાપી છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, માર્ગ પરથી પસાર થતા ટુ-વ્હીલર તેમજ ફોર-વ્હીલર વાહનચાલકો માટે આ સ્થિતિ ગંભીર જોખમ ઉભું કરી રહી છે.
ગમે ત્યારે કોઈ વાહન ગટરમાં ખાબકી જાય અથવા અકસ્માત સર્જાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. ખાસ કરીને રાત્રિના સમયે જોખમ વધુ વધી જાય છે.આ ઉપરાંત માર્ગની સ્થિતિ પણ બિસ્માર હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. રસ્તા પર ખાડા અને નુકસાનગ્રસ્ત ભાગોના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ વિસ્તારમાં રાત્રિના સમયે પૂરતી સ્ટ્રીટ લાઈટની સુવિધા પણ ઉપલબ્ધ નથી, જેના કારણે અંધારામાં જોખમનો અંદાજ લગાવવો વધુ મુશ્કેલ બની જાય છે.સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું સંબંધિત તંત્ર કોઈ ગંભીર અકસ્માત સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે? લોકોનું કહેવું છે કે સમયસર મરામત કરવામાં આવે તો સંભવિત દુર્ઘટનાઓ અટકાવી શકાય છે.
સ્થાનિક નાગરિકોએ સંબંધિત તંત્રને તાત્કાલિક ધોરણે ગટર ઉપરની લોખંડની જાળીઓનું સમારકામ કરવા, બિસ્માર માર્ગની મરામત હાથ ધરવા અને સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય નહીં.