સંતરામપુરમાં અફીણના પોષડોડાનો મોટો જથ્થો ઝડપાયો, મહીસાગર એસઓજીની મોટી કાર્યવાહી…

લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

સંતરામપુર: મહીસાગર જિલ્લા એસ.ઓ.જી. ટીમને સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ અફીણના જીંડવા (પોષડોડા)નો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ કાર્યવાહી દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિઓને નેસ્તનાબુદ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. ધોરડા ના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ અને બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આજરોજ રાત્રિના સમયે એસ.ઓ.જી.ની ટીમ સંતરામપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે સફેદ રંગની ટાટા હેરીયર ગાડીમાં અફીણના પોષડોડાનો જથ્થો ભરી સંતરામપુરથી લુણાવાડા તરફ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે લીમડામુવાડી ગામ નજીક હાઈવે રોડ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી.

થોડીવારમાં વર્ણન મુજબની ગાડી આવતા પોલીસે પીછો કરીને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગાડી નંબર GJ-03-MB-5847 માંથી કાળા રંગના પ્લાસ્ટિકના 13 થેલામાં ભરેલો અફીણના જીંડવાનો જથ્થો મળી આવ્યો હતો. જેનું કુલ વજન 248.880 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે કુલ રૂપિયા 37,33,200 કિંમતનો માદક પદાર્થ, એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5,000, ટાટા હેરીયર ગાડી કિંમત રૂપિયા 10 લાખ, બે છુટી નંબર પ્લેટ તેમજ અન્ય સામાન સહિત કુલ રૂપિયા 47,38,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ સમગ્ર મામલે સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા નાર્કોટિક્સના ગેરકાયદેસર ઉત્પાદન, વેચાણ અને હેરાફેરી કરતા તત્વો સામે સતત કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.



આ પણ વાંચો :-