રસ્તો ભૂલી ગયેલી મહિલાને 181 અભયમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું…

લુણાવાડા, (મહીસાગર) આસીફ શેખ :-

કડાણા વિસ્તારમાં ત્રણ દિવસથી ભટકતી મહિલાનું કાઉન્સેલિંગ કરી સરનામું શોધાયું, સુરક્ષિત રીતે પરિવારને સોંપાઈ

કડાણા: મહીસાગર જિલ્લાની 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે માનવતાભર્યું કાર્ય કરીને રસ્તો ભૂલી ગયેલી 32 વર્ષીય મહિલાને તેમના પરિવાર સુધી સુરક્ષિત રીતે પહોંચાડી હતી.

મળતી માહિતી મુજબ, કડાણા તાલુકાના એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને જાણ કરી હતી કે એક અજાણી મહિલા છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં ભટકી રહી છે અને તેને મદદની જરૂર છે. માહિતી મળતા જ અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

સ્થાનિક લોકો સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે મહિલા છેલ્લા ત્રણ દિવસથી ત્યાં હતી, પરંતુ પોતાનું સરનામું કે પરિવાર અંગે સ્પષ્ટ માહિતી આપી શકતી નહોતી. ત્યારબાદ અભયમ ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કર્યું.

કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું કે તે પોતાની સાસરી જવા નીકળી હતી, પરંતુ ભૂલથી કડાણા તરફ પહોંચી ગઈ હતી. તેમજ તેને ઘણી બાબતો યાદ રાખવામાં મુશ્કેલી પડતી હોવાનું પણ સામે આવ્યું હતું.

ટીમે મહિલા પાસેથી મળેલી વિગતોના આધારે ફોન દ્વારા સંપર્ક કરી વધુ પૂછપરછ કરી હતી, જેમાં મહિલા લુણાવાડા તાલુકાની હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ જરૂરી ચકાસણી પૂર્ણ કરીને મહિલાને સુરક્ષિત રીતે તેમના પરિવારજનોને સોંપવામાં આવી હતી.



આ પણ વાંચો :-