વિશ્વ સિકલસેલ એનીમિયા દિવસની રાજપીપળા ખાતે ઊજવણી કરાઇ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં રાજપીપલાના અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સિકલ સેલ દિવસ’ની જાગૃતિ અર્થે કાર્યક્ર્મ યોજાયો

સિકલ સેલ એનેમિયા એ એક આનુવંશિક બિમારી (જિનેટિક બ્લડ ડિસઓર્ડર) છે, જે મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકોને અસર કરે છે. સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી પ્રતિ વર્ષ ૧૯ જૂનના રોજ ‘વિશ્વ સિકલ સેલ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર રાજપીપલા ખાતે નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિકલસેલ એનિમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, સિકલસેલ એ આનુવંશિક રોગ છે. પ્રતિ વર્ષ આ દિવસની ઉજવણી કરી સૌને યાદ અપાવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ -૨૦૪૭ સુધીમાં સિકલસેલ નાબૂદી માટેનો દેશવાસીઓને લક્ષ્યાંક આપ્યો છે ત્યારે આ ધ્યેયને સિદ્ધ કરવા માટે નાગરિક તરીકે આપણે સ્વયં જાગૃત થઈને સિકલસેલ જેવી બિમારી અંગે જાગૃતિ ફેલાવીએ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રયાસો તથા શિક્ષણના માધ્યમથી આ બિમારીને આપણે નાબૂદ કરી શકીએ છીએ. નર્મદા જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો હોવાથી અહીં સિકલસેલનું પ્રમાણ વધુ જોવા મળે છે ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ૯૦ ટકા લોકોનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું છે, જે ખૂબજ પ્રસંશનીય બાબત છે.

વધુમાં ધારાસભ્ય એ ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા સિકલ સેલના દર્દીઓને સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ આપવામાં આવે છે. જરૂરી દવાઓ અને સારવાર સુવિધાઓ સુનિશ્ચિત કરવા ઉપરાંત, સિકલસેલના દર્દીઓને દર મહિને જે રૂપિયા ૫૦૦ની આર્થિક સહાયતા આપવામાં આવતી હતી, તેને વર્ષ ૨૦૨૪-૨૫થી રાજ્ય સરકાર દ્વારા હવે વધારીને રૂપિયા ૨૫૦૦ કરી છે. ત્યારે આવો આપણે સૌ સાથે મળી આવા દર્દીઓનું મનોબળ મજબૂત કરીએ, હિંમત અને પ્રોત્સાહન આપીએ. જિલ્લામાં હાલમાં તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે સિકલસેલની વિનામૂલ્યે સારવાર થાય છે જેની પણ સૌ નાગરિકોને જાણકારી આપી સિકલસેલ નિર્મૂલન અભિયાનમાં સૌને સહભાગી બનવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢકે સિકલસેલ એનિમિયાના લક્ષણો અને તેના નિદાન અંગેની વિસ્તૃતમાં જાણકારી આપી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી રશ્મિતાબેન વસાવા, રાજપીપલા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ, નાંદોદ તાલુકા પંચાયતવા પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવા સહિત આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here