પંચમહાલમાં એસ.એસ.સી./એચ.એસ.સી. પૂરક પરીક્ષા સંદર્ભે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક મળી

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

ગોધરા ઝોનમાં કુલ ૫૭૯૬ વિદ્યાર્થીઓ યોગ્ય વાતાવરણમાં પૂરક પરીક્ષા આપશે, કંટ્રોલ રૂમ અને સ્ટ્રોંગ રૂમ શરૂ કરાશે

પંચમહાલ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ. ડી. ચુડાસમાના અધ્યક્ષ સ્થાને કલેક્ટરશ્રીની કચેરીના વી. સી. હોલ ખાતે યોજાઈ હતી. આગામી એસ.એસ.સી./એચ.એસ.સી. પૂરક પરીક્ષા સંદર્ભે આયોજીત આ બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી દ્વારા આયોજન અને એજન્ડા સંદર્ભે પ્રેઝન્ટેશનથી વિસ્તૃત માહિતી આપી હતી. નિવાસી અધિક કલેક્ટરશ્રીએ સમિતિના તમામ સભ્યો સાથે ચર્ચા કરી સમગ્ર પરીક્ષા સુવ્યવસ્થિત રીતે શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવામાં આવે તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા.

આ બેઠકમાં સભ્ય સચિવ અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી કિરીટ પટેલએ જિલ્લામાં યોજાનાર પરીક્ષાની તૈયારીઓ અને આયોજન અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લામાં ગોધરા ઝોન દ્વારા પરીક્ષા લેવામાં આવશે. આ ઝોનમાં એસ. એસ. સી. પરીક્ષા કેન્દ્રમાં આઠ બિલ્ડીંગમાં ૭૭ બ્લોકમાં કુલ ૩૧૯૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધો-૧૨ માં વિજ્ઞાન પ્રવાહના એક પરીક્ષા કેન્દ્રના ૪ બિલ્ડીંગમાં ૩૯ બ્લોકમાં કુલ ૭૭૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આવી જ રીતે સામાન્ય પ્રવાહના એક કેન્દ્રના ૩ બિલ્ડીંગમાં ૨૫ બ્લોકમાં કુલ ૧૮૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ ગોધરા ઝોનમાં કુલ ૧૫ બિલ્ડીંગ અને ૧૪૧ બ્લોકમાં કુલ ૫૭૯૬ વિદ્યાર્થીઓ એસ.એસ.સી. અને એચ.એસ.સી. પૂરક પરીક્ષા આપશે.

પરીક્ષાર્થીઓને પરીક્ષાલક્ષી યોગ્ય વાતાવરણ મળી રહે તે માટે જિલ્લાના તમામ પરીક્ષા સ્થળો-બ્લોકમાં સી.સી.ટી.વી. કેમેરાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્ર પર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ના થાય તે માટે સંબંધિત અધિકારી/કર્મચારીઓને જરૂરી તાલીમ, માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી છે. પરીક્ષા સુવ્યવસ્થિત રીતે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે ઝોન કચેરી (સરકારી તેલંગ વાણિજ્ય વિદ્યાલય, ગોધરા) ખાતે તા. ૨૧/૦૬/૨૦૨૪ થી તા. ૦૭/૦૭/૨૦૨૪ સુધી સ્ટ્રોંગ રૂમ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જેનો સંપર્ક નંબર ૦૨૬૭૨-૨૪૨૨૪૦ છે.

આ બેઠકમાં પરીક્ષા સમિતિના અધિકારીઓ ઉપરાંત આમંત્રિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here