નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી અંગેની બેઠક યોજાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

શાળાના બાળકોને લાવવા-લઈ જવા ઉપયોગમાં લેવાતા તમામ વાહનોને કોમર્શિયલમાં તબદીલ કરવા અને રોડ સેફ્ટીના નિયમોની ચુસ્ત અમલવારી કરવા ઉપર ભાર મૂકાયો

જિલ્લા કક્ષાની હિટ એન્ડ રન કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં હિટ એન્ડ રનના કેસોમાં કરવાની થતી પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા અંગે થયેલી ચર્ચા

નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે રોડ સેફ્ટી અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાંથી પસાર થતા વિવિધ માર્ગો ઉપર રોડ સેફ્ટી કમિટી દ્વારા ઓળખ કરવામાં આવેલા બ્લોક સ્પોટ અંગે આર.ટી.ઓ. વિભાગ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. ઓળખ કરાયેલા અકસ્માત ઝોન હોય તેને દૂર કરવાના યોગ્ય પગલાં લેવા પર ભાર મૂક્યો હતો. રાજપીપલાથી અંકલેશ્વરને જોડતા હાઈવે પર ભચરવાડાના કટને બદલીને અન્યત્ર શિફ્ટ કરવા અંગેની ચાલી રહેલી વિચારણા અંગે પણ વિસ્તૃતમાં માહિતી આપી વૈકલ્પિક કટ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લામાં હાલ શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યું છે ત્યારે શાળાના બાળકોને લાવવા-લઈ જવાની સુવિધા આપતા વાહનચાલકો અને શાળા સંચાલકો સાથે થયેલા પરામર્સ તેમજ રોડ સેફ્ટીના નિયમોને વાહન ચાલકો અનુસરે તે માટે થઈ રહેલી કામગીરીનો પણ ચિતાર આપ્યો હતો. જેમાં નવી પોલીસી મુજબ બાળકોનું વહન કરતા વાહનોને કોમર્સિયલ વ્હીકલમાં ફેરવવા, જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા વાહનોનું ટ્રાફિક નિયમન અને સેફ્ટી અંગે સલામતી સુરક્ષા જેવી બાબતો પર ભાર મૂકયો હતો. સાથોસાથ ચોમાસુ સિઝનમાં રોડ-રસ્તાની આજુબાજુમાં રહેલા વૃક્ષોનું ટ્રિમીંગ કરવા પણ જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોને સૂચના આપી હતી.

હિટ એન્ડ રનની જિલ્લાકક્ષાની કમિટીની યોજાયેલી બેઠકમાં ઈન્સ્યોરન્સ કંપનીના રિપ્રેઝન્ટેટીવ પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટનામાં ભોગ બનનારના પરિવારને ઝડપી મદદરૂપ થઈ શકાય તે માટે કરવાની થતી પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જિલ્લામાં કુદરતી આપત્તિના કિસ્સામાં ઝડપી સહાયની ચૂકવણી કરવા અને દુઃખી પરિવારોને સમયસર મદદરૂપ થવા ઉપર ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબે, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, નાંદોદના પ્રાંત અધિકારી ડો. કિશનદાન ગઢવી, દેડિયાપાડાના પ્રાંત અધિકારી ડી.આર.સંગાડા, જિલ્લા સરકારી વકીલ, વીમા કંપનીના પ્રતિનિધિ સહિત સંબંધિ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here