છોટાઉદેપુર જિલ્લામાં “વિશ્વ વસ્તી દિવસ-૨૦૨૪” ની ઉજવણી કરાશે

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન

છોટાઉદેપુર જિલ્લામાં માતા અને બાળકની સુખાકારી માટે “ગર્ભાવસ્થાનો સ્વસ્થ સમય અને અંતર” થીમ આધારિત “વિશ્વ વસ્તી દિવસ – ૨૦૨૪” ની ઉજવણી કરવામાં આવનાર છે. જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં આ બાબતની જાગૃતિ વધારવા તેમજ “ગર્ભાવસ્થાનો સ્વસ્થ સમય અને અંતર” દ્વારા માતાઓ અને બાળકોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં યોગદાન માટે જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ઉજવણી કરવામાં આવનાર છે.

છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી ચાર તબક્કામાં કરવામાં આવનાર છે. જેમાં પ્રથમ તબક્કામાં તા.૨૦/૦૬/૨૦૨૪ સુધી કુટુંબ નિયોજનની કાયમી અને બિન કાયમી પદ્ધતીઓ બાબતનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે, બીજા તબક્કામાં તા.૨૭/૦૬/૨૦૨૪ થી તા.૧૦/૦૭/૨૦૨૪ દરમિયાન સામુદાઈક બેઠકો, સ્થાનિક નેતાઓ, પ્રભાવકો અને હિમાયતીઓને સામેલ કરીને સગર્ભાવસ્થામાં અંતરના ફાયદાઓ વિશે પરિવારોને શિક્ષિત કરવા માટે આરોગ્ય કર્મચારી દ્વારા ગૃહ મુલાકાત કરવામાં આવશે.

ત્રીજા તબકામાં તા.૧૧/૦૭/૨૦૨૪ થી તા.૨૪/૦૭/૨૦૨૪ દરમિયાન ગર્ભનિરોધક પદ્ધતિ અને કાઉન્સેલિંગ કરવામાં આવશે. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજન અંતર્ગતની કાયમી અને બિન કાયમી પદ્ધતિઓના કેમ્પનું આયોજન કરવામાં આવશે. ચોથા તબક્કામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજનની કાયમી અને બિન કાયમી પદ્ધતિનો સ્વીકાર કરેલ દંપતીઓને પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવનાર હોવાનું છોટાઉદેપુરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here