આડા સંબંધોની શંકાએ ભુવાની ધુલાઈ:મોરવા (હ) પંથકમાં હેરાફેરી કરતાં ભુવાને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ભારે ચકચાર મચી

પંચમહાલ જિલ્લાના મોરવા (હ) વિસ્તારની બોર્ડર અને પાનમ નદી કિનારે આવેલા પીપળીયા ગામે માતાજીના આશીર્વાદ સાથે દોરાધાગા કરતા ભુવાને આડા સંબંધની શંકાને લઈને કેટલાક યુવકોએ પાનમ નદીના નિર્જન સ્થળે લઈ જઈને લાકડી અને લાતો વડે ફટકારતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં મોરવા હડફ તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.

કહેવાય છે કે, આ ભુવો દેવગઢ બારિયા તાલુકામાં એક ગામનો રહીશ છે. છેલ્લા એક મહિનાથી મોરવા (હ) તાલુકામાં આડા સંબંધ માટે શંકાસ્પદ રીતે અવર-જવર કરતો હતો. જેથી સ્થાનિક રહીશોની ઝપટમાં આવી જતાં ભુવાની જાહેરમાં બરાબરની ધોલાઈ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં ભોગ બનેલો દેખાતો આ ઈસમ દેવગઢબારિયા તાલુકામાં રહેતો હોવાનું કહેવાય છે. તે પોતાની ઉપર માતાજીના આશીર્વાદ છે જેથી ભુવો બનીને દોરાધાગાની વિધિ કરવા માટે મોરવા (હ) તાલુકામાં અવર-જવર કરતો હતો. પરંતુ ભુવો આડા સંબંધ માટે અવર-જવર કરતાં હોવાની શંકાઓ સ્થાનિક રહીશો થતાં ભુવાને ઝડપી પાડી મોરવા હડફ તાલુકા બોર્ડર ઉપર આવેલી પાનમ નદીના કિનારે પીપળીયા ગામના નિર્જન સ્થળે લઈ જઈને સ્થાનિક રહીશો દ્વારા ભુવાને શર્ટ કઢાવીને લાકડાઓના ફટકા અને લાતો વડે બરાબરની ધુલાઇ કરી હતી. તેમજ કાલે તું આવ્યો હતો, કેટલા વાગ્યા આવ્યો હતો, કોને મળવા આવ્યો હતો, સાચું બોલ એ કોણ હતું વિગેરે પ્રશ્નો પૂછતાં હોય તેવું અસ્પષ્ટ ઉચ્ચારણ આ વાઈરલ વીડિયોમાં સંભળાઈ રહ્યું છે.