
વિન્ટેજ કારમાં ગુજરાત ભ્રમણ કરવાની ખેવના ધરાવતાં ગોધરાના મિકેનિક યુવાને એક વર્ષ અગાઉ વડોદરાથી વિન્ટેજ કાર ખરીદી હતી. હાલમાં ભંગાર હાલતમાં મળેલી 80 વર્ષ જુની આ કારને નવો લુક આપવા માટે મિકેનીક યુવાન તૈયારી કરી રહ્યો છે. જોકે આ કાર જોવા આજે જિલ્લાભરના લોકો આવી રહ્યાં છે.
ગોધરા ખાતે રહેતા શાદાબ કંસારા પોતે એક મેકેનિક છે. અને વિન્ટેજ ગાડીઓના અત્યંત શોખીન છે. તેઓ વર્ષોથી સહ પરિવાર સાથે ગુજરાત ભ્રમણ કરવાનું આયોજન કરી રહ્યા હતા. તે માટે તેમને કોઈ યોગ્ય રજવાડી ઠાઠ અને આકર્ષણ જમાવે તેવી વિન્ટેજ કારની શોધ આદરી હતી.
ઘણી શોધખોળ બાદ તેઓને વડોદરા ખાતેથી 80 વર્ષ જૂની ઇંગ્લેન્ડની પ્રખ્યાત કંપની morris eight series ની વિન્ટેજ કાર મળી આવી હતી. વીતેલા યુગમાં આ કાર ફક્ત રાજા રજવાડા, ધનિક પરિવારો તેમજ અંગ્રેજો પાસે જોવા મળી આવતી હતી. શાદાબભાઇ હવે તે કારને રંગરોગાન અને ચકાચક બનાવવામાં જોતરાયાં છે. તેઓ આ કાર તૈયાર થયા બાદ પ્રથમ ગોધરા શહેરના માર્ગો પર દોડાવશે. હાલ આ કાર તેમના ઘરે મુકવામાં આવેલ છે. જે કારને નિહાળવા માટે જીલ્લાભરના લોકો આવી રહ્યા છે. વિન્ટેજ કાર તૈયાર કર્યા બાદ તેઓ પત્ની અને પુત્રો સાથે સમસ્ત ગુજરાતનું ભ્રમણ કરશે હાલ આ વિન્ટેજ કાર ગોધરામાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
કારને વેસ્ટર્ન લૂક આપવામાં આવશે મને એક ખાસ વિન્ટેજ કારની જરૂરિયાત હતી જે અમોને મળી આવતા અત્યંત આનંદ થયો છે. આ કારમાં ડ્રાઇવર સહીત 4 લોકો બેસી શકશે તેમાં ખાસ સુધારા કરીને એક વેસ્ટર્ન લૂક અપાશે .