ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

વડોદરા: શહેરના વાઘોડિયા રોડ હાઇવે વિસ્તારમાં આવેલ વાઘોડિયા ચોકડી પાસે આજે રાત્રે એક ગોડાઉનમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારોમાં તેમજ પસાર થતા વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ ગોડાઉનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ આગ લાગ્યા બાદ થોડા જ સમયમાં તે ઝડપથી ફેલાઈ ગઈ હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાને કારણે આશરે એક કિલોમીટર વિસ્તાર સુધી ઘાટો ધુમાડો છવાઈ ગયો હતો, જેના કારણે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અગાઉ પણ ગોડાઉનમાં આગ લાગવાના બનાવો બન્યા છે, જેને ધ્યાનમાં રાખીને ફાયર સેફ્ટી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત સામે આવી છે.
આગ લાગેલા ગોડાઉનમાં કેમિકલ વેસ્ટનો મોટો જથ્થો હોવાને કારણે આગ કાબૂમાં લેવા ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પાણીગેટ અને ઇઆરસીની બે ટીમોએ સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી અને લગભગ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.