ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ કરતા એક શખ્સને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.) અને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
માહિતી મુજબ તા. 20 એપ્રિલ 2026ના રોજ સવારે અંદાજે 09:40 વાગ્યે બેડેશ્વર વિસ્તારમાં સંજય મીલ પાછળની ગલીમાં મનસુખભાઈ રામાભાઈ સોલંકી (ઉંમર 34, રહે. રાંદલનગર, નવાઘામ ઘેડ, જામનગર) જાહેરમાં ગેસના ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ કરી રહ્યો હતો.
આ દરમિયાન કોઈપણ પ્રકારના સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવામાં આવતો ન હોવાથી આસપાસના લોકોના જીવને ગંભીર જોખમ ઊભું થયું હતું.
પોલીસે સ્થળ પરથી 4 ભરેલા ગેસ સિલિન્ડર, 1 અર્ધભરેલો સિલિન્ડર, 3 ખાલી સિલિન્ડર તેમજ 2 લોખંડની નોઝલ સહિત કુલ રૂ. 16,100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીને નોટિસ આપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ મામલે જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 287 હેઠળ ગુનો નોંધાયો છે. સમગ્ર કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.