ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 અંતર્ગત પંચમહાલ જિલ્લામાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે મતદાન 26 એપ્રિલ 2026, રવિવારના રોજ યોજાનાર છે. મતદાનમાં દરેક શ્રમયોગી પોતાનો મતાધિકાર નિર્ભયપણે ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951 ની કલમ 135 (બી) મુજબ, કારખાના અધિનિયમ-1948 હેઠળ નોંધાયેલા કારખાનાઓમાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ-1996 હેઠળ નોંધાયેલા સંસ્થાઓ/સાઇટ્સ પર કાર્યરત શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવી ફરજિયાત રહેશે.
આ રજા જાહેર થવાને કારણે કોઈપણ કર્મચારીના પગારમાં કપાત કરવામાં આવશે નહીં. જો કોઈ કર્મચારી સામાન્ય રીતે તે દિવસે પગારનો હકદાર ન હોય, તો પણ તેને મતદાન માટે એટલો જ પગાર ચુકવવાનો રહેશે જેટલો રજા જાહેર ન થઈ હોત તો મળવાનો હતો.
કેટલાક સંજોગોમાં, જેમ કે જ્યાં કર્મચારીની ગેરહાજરીથી જોખમ ઊભું થતું હોય અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનાઓમાં કામ ચાલતું હોય, ત્યાં કર્મચારીઓને તેમની ફરજના સમયમાં 3 થી 4 કલાકની સવેતન છૂટ આપવામાં આવશે જેથી તેઓ મતદાન કરી શકે.
જો કોઈ કારખાનેદાર આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મતદાનના દિવસે શ્રમયોગીઓને રજા ન આપવામાં આવે અથવા કોઈ પ્રકારની ફરિયાદ હોય તો તેઓ નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, ગોધરા (ફોન: 02672-241870)નો સંપર્ક કરી શકે છે.