વડોદરા-ડભોઇ રોડ પર ઢાઢર નદીના પૂરથી માર્ગ બંધ, 30થી વધુ ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

રાજલી ગામ પાસે રસ્તા પર ત્રણ ફૂટ પાણી ફરી વળ્યા; વાહનવ્યવહાર ઠપ, ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા

વડોદરા: ઉપરવાસમાં ભારે વરસાદ અને પાણી છોડવામાં આવતા ઢાઢર નદીમાં પાણીની સપાટી સતત વધી રહી છે. તેના કારણે વડોદરા-ડભોઇ રોડ પર રાજલી ગામ નજીક નદીનું પાણી રસ્તા પર ફરી વળતાં માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રસ્તા પર અંદાજે ત્રણ ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં નાના વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. હાલ માત્ર કેટલાક ભારે વાહનો જોખમ વચ્ચે પસાર થઈ રહ્યા છે, પરંતુ પાણીની સપાટી સતત વધતા તેમની અવરજવર પણ બંધ થવાની શક્યતા છે.

પૂરની પરિસ્થિતિને કારણે વડોદરા, ડભોઇ અને વાઘોડિયા તાલુકાના 30થી વધુ ગામો અસરગ્રસ્ત બન્યા છે. અનેક વિસ્તારોમાં ખેતરો પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે કેટલાક રહેણાંક વિસ્તારો, ફાર્મ હાઉસ અને કેબિનોમાં પણ પાણી ઘૂસી જતાં ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વહીવટી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, પૂરગ્રસ્ત માર્ગો પર જવાનું ટાળવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.



આ પણ વાંચો :-