છોટાઉદેપુર, જાવેદ એન કુરેશી :-
ભારે વરસાદથી તળાવ છલકાયું; અશ્વિન નદીમાં વધશે પાણીનો પ્રવાહ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

છોટા ઉદેપુર: જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે નસવાડી તાલુકાનું ધનિયા-ઉમરવા તળાવ ઓવરફ્લો થયું છે. ચોમાસાની શરૂઆતમાં જ તળાવ સંપૂર્ણ ભરાઈ જતાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
તળાવ ઓવરફ્લો થતાં નસવાડી તાલુકા વિકાસ અધિકારી (TDO) દ્વારા સ્થળની મુલાકાત લઈ પાણીની આવક, સુરક્ષા વ્યવસ્થા અને સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવામાં આવી હતી. તંત્ર દ્વારા તલાટી-કમ-મંત્રીઓ સહિત સંબંધિત વિભાગોને સતત દેખરેખ રાખવા અને કોઈપણ પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
ધનિયા-ઉમરવા તળાવ જિલ્લાના મહત્વના સિંચાઈ સ્ત્રોતોમાંનું એક હોવાથી તેના ભરાવાથી આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તરમાં વધારો થવાની સાથે રવિ અને ઉનાળુ પાક માટે પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત બનશે. જેના કારણે ખેડૂત આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
તળાવમાંથી વધારાનું પાણી અશ્વિન નદીમાં વહી રહ્યું હોવાથી નદીના જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતા છે. વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે આવેલા ગામોના લોકોને નદીમાં ન ઉતરવા, કોઝવે અને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા તેમજ માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
