ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી ગ્રામજનોને બચાવ, પ્રાથમિક સારવાર અને સ્વ-રેસ્ક્યુ અંગે પ્રાયોગિક તાલીમ અપાઈ

પંચમહાલ: જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) દ્વારા ગોધરા તાલુકાના નદીસર ગામે ‘કોમ્યુનિટી અવેરનેસ પ્રોગ્રામ’ (સમુદાય જાગૃતિ કાર્યક્રમ)નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ પૂર, ભારે વરસાદ અથવા અન્ય કુદરતી આપત્તિના સમયે સ્થાનિક નાગરિકો સ્વયં સજ્જ બની પોતાની સાથે અન્ય લોકોના જીવનનું પણ રક્ષણ કરી શકે તે માટે જરૂરી જાગૃતિ અને પ્રાયોગિક તાલીમ પૂરી પાડવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન NDRFની ટીમ દ્વારા આપત્તિના સમયે પ્રાથમિક સારવાર (First Aid) કેવી રીતે આપવી, ઈજાગ્રસ્ત વ્યક્તિને સુરક્ષિત રીતે સ્થળાંતર કેવી રીતે કરવો અને બચાવ કામગીરી દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની જીવંત પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ઘરગથ્થુ ઉપયોગની નકામી પ્લાસ્ટિક બોટલો જેવી સરળ સામગ્રીમાંથી લાઈફ જેકેટ અને ફ્લોટિંગ ડિવાઈસ તૈયાર કરવાની પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવી હતી, જેથી આપત્તિ સમયે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સાધનોનો અસરકારક ઉપયોગ કરી શકાય.
ગ્રામજનોને ભારે વરસાદ દરમિયાન રાખવાની જરૂરી સાવચેતી, નદી-નાળાઓથી દૂર રહેવાની સલાહ, અફવાઓથી બચવા તેમજ સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
આ જાગૃતિ કાર્યક્રમમાં નદીસર ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો, સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જિલ્લા વહીવટી તંત્ર અને NDRFની આ પહેલને ગ્રામજનોએ આવકારી હતી અને આવી તાલીમ આપત્તિના સમયમાં અત્યંત ઉપયોગી સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
