ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
કલેક્ટરનો મહત્વનો નિર્ણય; આંગણવાડીથી લઈને કોલેજો સુધી શૈક્ષણિક કાર્ય બંધ, 10 દિવસમાં ચોથી વખત રજા

વડોદરા: હવામાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્રે વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં શનિવાર, 1 ઓગસ્ટના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે.
જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ જિલ્લામાં આવેલી તમામ આંગણવાડીઓ, સરકારી, અનુદાનિત અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ તમામ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે.
વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણયનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. જિલ્લા તંત્રે તમામ શૈક્ષણિક સંસ્થાઓને રજાની માહિતી તાત્કાલિક વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પહોંચાડવા સૂચના આપી છે.
ઉલ્લેખનીય છે કે, ગત 10 દિવસ દરમિયાન આ ચોથી વખત છે જ્યારે ભારે વરસાદની સ્થિતિને કારણે વડોદરા જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રે નાગરિકોને પણ ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા અને માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.
