ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
મોરવા (હ.)ના નાટાપુર ખાતે યોજાયેલી તાલીમમાં મહિલાઓને ફળ-શાકભાજી મૂલ્યવર્ધન અને ઘરઆધારિત સ્વરોજગારી અંગે પ્રાયોગિક માર્ગદર્શન અપાયું

પંચમહાલ: ગ્રામ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવી સ્વરોજગારી તરફ પ્રોત્સાહિત કરવાના હેતુથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પંચમહાલ દ્વારા ‘મહિલા વૃતિકા તાલીમ’ની ત્રીજી બેચનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ દિવસીય આ તાલીમ કાર્યક્રમ મોરવા (હ.) તાલુકાના નાટાપુર ગામે યોજાયો હતો.
તાલીમ દરમિયાન નિષ્ણાતો દ્વારા મહિલાઓને ફળ અને શાકભાજીના મૂલ્યવર્ધન (Value Addition) અંગે સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રકારના અથાણાં, કેન્ડી, ટામેટાં કેચપ, શરબત, જામ, જેલી સહિત ઘરઆધારિત મૂલ્યવર્ધિત ઉત્પાદનો તૈયાર કરવાની તાલીમ આપવામાં આવી હતી.
આ ઉપરાંત તૈયાર કરાયેલા ઉત્પાદનોનું યોગ્ય પ્રોસેસિંગ, પેકિંગ, લાંબા સમય સુધી સંગ્રહ કરવાની પદ્ધતિઓ તેમજ બજારમાં વેચાણ અને માર્કેટિંગ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેથી મહિલાઓ પોતાના ઉત્પાદનોને વ્યવસાયિક રીતે બજારમાં મૂકી શકે.

આ તાલીમનો મુખ્ય હેતુ કૃષિ પેદાશોનું મૂલ્યવર્ધન કરીને ગ્રામીણ મહિલાઓની આવકમાં વધારો કરવો અને તેમને ઘરબેઠા રોજગારીના નવા અવસર ઉપલબ્ધ કરાવવાનો છે. તાલીમ પૂર્ણ થયા બાદ સફળતાપૂર્વક ભાગ લેનાર તમામ મહિલા પ્રતિભાગીઓને પ્રોત્સાહક પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
નાયબ બાગાયત નિયામકશ્રીએ જણાવ્યું હતું કે ગ્રામીણ મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે આવી વ્યવસાયલક્ષી તાલીમો આગામી સમયમાં પણ નિયમિતપણે યોજવામાં આવશે, જેથી વધુમાં વધુ મહિલાઓ આત્મનિર્ભર બની સ્વરોજગારી તરફ આગળ વધી શકે.
