મહીસાગરમાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર, આવતીકાલે તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર

લુણાવાડા, (મહીસાગર) આસીફ શેખ :-

વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા; તમામ તાલુકાઓમાં લાયઝન અધિકારીઓની નિમણૂક, નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ

મહીસાગર: રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. સંભવિત વરસાદી પરિસ્થિતિ અને આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા જિલ્લા તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

નિવાસી અધિક કલેક્ટર શ્રી સી. વી. લટાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં વરસાદને કારણે ઊભી થનારી કોઈપણ પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાય તે માટે તમામ તાલુકાઓમાં લાયઝન અધિકારીઓ તથા સહ-લાયઝન અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. તમામ વિભાગોને સતત સતર્ક રહેવા તેમજ પરિસ્થિતિ પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે.

ભારે વરસાદની આગાહી અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવતીકાલે મહીસાગર જિલ્લાની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ તેમજ તમામ આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા તંત્ર દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓને આ અંગેની જાણ તાત્કાલિક વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પહોંચાડવા સૂચના આપવામાં આવી છે.

નિવાસી અધિક કલેક્ટરશ્રીએ જિલ્લાવાસીઓને અપીલ કરી છે કે ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવું, અનાવશ્યક મુસાફરી ટાળવી અને નદી, નાળા કે પાણી ભરાયેલા વિસ્તારો નજીક જવાનું ટાળવું. વરસાદને કારણે કોઈપણ અનિચ્છનીય ઘટના બને તો તાત્કાલિક તાલુકા અથવા જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરવા અનુરોધ કર્યો છે.

જિલ્લા વહીવટી તંત્રે લોકોને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અને પોતાની તેમજ પરિવારની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અપીલ કરી છે.