નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનના ખાસ જાણકાર ઉમેશકુમાર શર્મા નર્મદા જિલ્લાની મુલાકાતે

રાજપીપલા, (નર્મદા) આશિક પઠાણ :-

પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી : ધર્મપત્ની શ્રીમતી શર્માએ સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને નિહાળીને અભિભૂત થયા

નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનના ખાસ જાણકાર ઉમેશકુમાર શર્મા ગુજરાતના પ્રવાસે પદાર્યા છે. તેમના પ્રવાસ કાર્યક્રમ નર્મદા જિલ્લાના વિવિધ સરકારી આરોગ્ય સંભાળ સંસ્થાઓની મુલાકાત સંદર્ભે પણ પધાર્યા હતા. શર્માએ ગરૂડેશ્વરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની ખાસ મુલાકાત લઈને મુલાકાત દરમિયાન આરોગ્ય સંસ્થાની મૂળભૂત સંરચના, વહીવટી માળખુ, સ્ટાફ-તબીબો, લેબોરેટરી, ઇમરજન્સી સેવાઓ, ડિલિવરી રેફરલ સેવાઓ, એક્સ-રે, આઉટસોર્સ સેવાઓ, દવાઓ સહિત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના “આયુષ્માન કાર્ડ” અંગેની પણ ઝીણવટપૂર્ણ વિગતો હોસ્પિટલના ડોક્ટરો પાસેથી મેળવી હતી.

હોસ્પિટલમાં ગુણવત્તાસભર અને મૂળભૂત સેવાઓ, દર્દીઓની સુરક્ષા, રોકાણ-ભોજનની વ્યવસ્થા, તેમના સગાઓના પ્રશ્નોના નિરાકરણ માટેની વ્યવસ્થા સહિતની વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરીને માહિતી મેળવતા શર્માએ સંતોષ વ્યક્ત કર્યો હતો. જે અંગેનો રિપોર્ટ તેઓ દ્વારા કમિશનમાં સબમિટ કરવા અંગે તેઓએ જણાવ્યું હતું. શર્માની નર્મદા જિલ્લાની મુલાકાત વેળાએ સ્ટેટ લાયઝન તરીકે RCHO સુરત ડો. પિયુષ શાહ અને નર્મદા DLO ડો. હેતલ ચૌધરી તેમની સાથે જોડાયા હતા.

શર્માની મુલાકાતમાં સાથે તેઓના ધર્મપત્ની શ્રીમતી પુષ્પા શર્મા પણ પધાર્યા હતા. જેઓએ વિશ્વની સૌથી વિરાટ ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને નિહાળીને અભિભૂત થયા હતા. વધુમાં તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં સરદાર સાહેબના જીવનકવન, રસપ્રદ ઇતિહાસ, પ્રતિમાના નિર્માણની ગાથા સહિત કુદરતના ખોળે વસેલા નર્મદા જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્યની સાથે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમને પણ નિહાળ્યો હતો. ટુંકી મુલાકાત બાદ તેઓ વડોદરા નિર્ધારિત પ્રવાસ કાર્યક્રમ માટે જવા રવાના થયા હતા.