સયાજી હોસ્પિટલમાં એક્સ-રે ફિલ્મનો જથ્થો ખૂટ્યો, છેલ્લા બે દિવસથી દર્દીઓ પરેશાન…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

વડોદરા: શહેરની સયાજી હોસ્પિટલમાં છેલ્લા બે દિવસથી એક્સ-રે ફિલ્મનો સ્ટોક ખાલી થઈ જતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે રાત્રે નવો જથ્થો હોસ્પિટલમાં પહોંચે તેવી શક્યતા છે.

સયાજી હોસ્પિટલમાં રોજ સારવાર માટે આવતા દર્દીઓ પૈકી એક હજારથી વધુ દર્દીઓના એક્સ-રે કરવામાં આવે છે. હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતી એક્સ-રે ફિલ્મો સરકાર દ્વારા સપ્લાય થતી નથી, પરંતુ બજારમાંથી ખરીદવામાં આવે છે. સામાન્ય રીતે દર અઠવાડિયે આશરે પાંચ હજાર ફિલ્મોની ખરીદી કરવામાં આવે છે.

છેલ્લા બે દિવસથી ફિલ્મનો જથ્થો સંપૂર્ણપણે ખૂટી જતા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. જે દર્દીઓ પાસે એન્ડ્રોઇડ મોબાઇલ ફોન છે તેમને એક્સ-રેની તસવીરો મોબાઇલ પર મોકલી આપવામાં આવે છે, જેના આધારે ડોક્ટરો સારવાર આપી રહ્યા છે. જોકે, જે દર્દીઓ પાસે એન્ડ્રોઇડ મોબાઇલ નથી તેઓને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

હાલ હોસ્પિટલ તંત્ર દ્વારા નવા સ્ટોકની રાહ જોવાઈ રહી છે અને જલ્દી જ સ્થિતિ સામાન્ય બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-