ગોધરા,(પંચમહાલ) સાજીદ શેખ :-

અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર સહિતની ખુલ્લી ગટરો ઉભરાઈ… જ્યારે સોસાયટી વિસ્તારોના રસ્તાઓ બન્યા તલાવડી સમાન…!
ગોધરા નગર સહિત પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આજે ફરી એક વખતે સૂરજદાદાની વિદાય સાથે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ભારે પવન, ધૂળની ડમરીઓ અને ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ગરમીથી ત્રસ્ત લોકોને રાહતનો અહેસાસ થયો હતો. જોકે બીજી તરફ આ વરસાદે કેટલાક વિસ્તારોમાં તંત્રના પ્રીમોન્સૂન દાવાઓની હકીકત પણ ઉજાગર કરી દીધી હતી.

ખાસ કરીને ગોધરા નગરના વોર્ડ નં. ૦૯ વિસ્તારમાં થોડા જ સમયના વરસાદમાં સેશન કોર્ટ કમ્પાઉન્ડ આગળ રોડ પર તળાવની જેમ પાણી ભરાઈ ગયું હતું તેમજ અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાઈ જતાં તથા સોસાયટી વિસ્તારોના રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નાગરિકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે જો આ માત્ર પ્રીમોન્સૂન વરસાદમાં આવી સ્થિતિ હોય તો ચોમાસાના મુખ્ય વરસાદ દરમિયાન શું હાલત સર્જાશે..?
ભારે પવનના કારણે અનેક સ્થળોએ વૃક્ષોની ડાળીઓ તૂટી પડવાની તેમજ વીજ પુરવઠો ખોરવાઈ જવાની ઘટનાઓ પણ સામે આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણમાં જોવા મળતા અસામાન્ય ફેરફારોને લઈને ગ્લોબલ વોર્મિંગની અસર અંગે ફરી ચર્ચાઓ તેજ બની છે. ઉનાળાની ઋતુમાં અચાનક સર્જાતા વાવાઝોડા, કમોસમી વરસાદ અને હવામાનની અનિશ્ચિતતા હવે સામાન્ય બાબત બનતી જઈ રહી છે.
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે કુદરત જાણે દર વર્ષે વરસાદ પહેલાં જવાબદાર તંત્રની “મોક ટેસ્ટ” લઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. નાળા-ગટરની સફાઈ, જોખમી વૃક્ષોની ડાળીઓની કાપકૂપ, વીજ લાઈનોની જાળવણી અને વરસાદી મોસમ પૂર્વેની તૈયારીઓના દાવાઓ કાગળ પર વધારે અને મેદાનમાં ઓછા દેખાઈ રહ્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
કટાક્ષ એ પણ થઈ રહ્યો છે કે, “સફાઈ કામદારોને લઈને ફરતા ફોટા તો સોશિયલ મીડિયા સુધી પોહચી ગયા, પરંતુ લાગે છે કે ગટરો સુધી તેની માહિતી પહોંચી નથી…!”
તો કેટલાક નાગરિકો એવી ટિપ્પણી પણ કરી રહ્યા છે કે, “વરસાદે હજુ ટ્રેલર જ બતાવ્યું છે અને શહેરના કેટલાક વિસ્તારોમાં સિસ્ટમ પહેલેથી જ ઈન્ટરવલ પર પહોંચી ગઈ છે…!”
હવે જોવાનું એ રહેશે કે આ આગોતરા ચેતવણીને જવાબદાર તંત્ર ગંભીરતાથી લઈને ચોમાસા પહેલાં જરૂરી કામગીરી પૂર્ણ કરે છે કે પછી દર વર્ષની જેમ વરસાદ અને જવાબદારીઓ બંને એકબીજા પર ઢોળાતા રહે છે.
કુદરતનો આ સંદેશ માત્ર રાહતનો નહીં, પરંતુ સાવચેતી, જવાબદારી અને સજ્જતાનો પણ સંદેશ હોવાનું માનવામાં આવી રહ્યું છે.