ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

Kalam Ki Sarkar News / Shehera: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચોપડા ખુર્દ ગામના રેશનકાર્ડ ધારકોએ સસ્તા અનાજની દુકાનના સંચાલક એસ. પી. પટેલ સામે ગરીબોના અનાજમાં ગેરરીતિ, કાળાબજારી અને દાદાગીરીના ગંભીર આક્ષેપો સાથે ગોધરા ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે.
રેશનકાર્ડ ધારકોએ આવેદનપત્રમાં ગરીબ પરિવારોના હકનું અનાજ છીનવતા હોવાના આક્ષેપ સાથે દુકાનદારનું લાયસન્સ તાત્કાલિક રદ કરી તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનપત્ર સુપરત કરતી વખતે અધિક નિવાસી કલેક્ટરે મૌખિક ખાતરી આપતા જણાવ્યું હતું કે દુકાનની તપાસ કરાવવામાં આવશે અને જો દુકાનનું લાયસન્સ રદ થવા પાત્ર હશે તો તે રદ કરાવવામાં આવશે.
ઓછું અનાજ આપતા હોવાનો આક્ષેપ
રેશનકાર્ડ ધારકોએ જણાવ્યું છે કે દુકાન સંચાલક એસ. પી. પટેલ દ્વારા લાભાર્થીઓને મળવાપાત્ર નિર્ધારિત જથ્થા કરતાં ઘણું ઓછું અનાજ આપવામાં આવે છે. આક્ષેપ મુજબ, સરકારી નિયમોનો ભંગ કરીને ગ્રાહકોને સિસ્ટમમાંથી નીકળતી પાકી પાવતી હાથમાં આપ્યા બાદ તરત જ પરત લઈ લેવામાં આવે છે, જેથી ઓછું અનાજ મળ્યાનો કોઈ લેખિત પુરાવો ગ્રાહકો પાસે રહેતો નથી.
જ્યારે કોઈ જાગૃત રેશનકાર્ડ ધારક પોતાના હકના પૂરા અનાજ અથવા પાવતી માટે રજૂઆત કરે છે ત્યારે સંચાલક ઉદ્ધતાઈભર્યું વર્તન કરી ખુલ્લી દાદાગીરી કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સંચાલક ગરીબ ગ્રાહકોને તેમના સંઘના પ્રમુખ બધું જ સંભાળી લેશે અને અધિકારીઓ સાથે પણ વહીવટ થઈ જતો હોવાથી તેમનું કોઈ કંઈ બગાડી શકશે નહીં તેવી ધમકી આપતા હોવાનો દાવો રેશનકાર્ડ ધારકોએ કર્યો છે.
હજારો કિલો અનાજ સગેવગે કરવાનો દાવો
રેશનકાર્ડ ધારકોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે આવા રાજકીય અને સંગઠનાત્મક પીઠબળનો ડર બતાવીને હજારો કિલો અનાજ બારોબાર સગેવગે કરી મસમોટો આર્થિક લાભ મેળવવામાં આવે છે. તેમજ એક રેશનકાર્ડ ધારકનું અંત્યોદય કાર્ડ તેમના પુત્રની વહુના નામે તબદીલ કર્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
સત્વરે તપાસ અને કડક કાર્યવાહીની માંગ
રેશનકાર્ડ ધારકોએ આ સમગ્ર મામલે ગંભીર ભ્રષ્ટાચારની સત્વરે તપાસ કરી કસૂરવાર સંચાલક સામે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ફોજદારી રાહે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આંદોલનની ચીમકી
અંતે રેશનકાર્ડ ધારકોએ ચીમકી ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં તંત્ર દ્વારા આ મામલે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો નાછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
