તાંત્રિક વિધિના બહાને વૃદ્ધા સાથે રૂ. 76.66 લાખની છેતરપિંડી, બે આરોપી સામે ગુનો…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

વેરાવળ: ભીડીયા પ્લોટ વિસ્તારમાં રહેતી 62 વર્ષીય વૃદ્ધા સાથે તાંત્રિક વિધિના નામે મોટાપાયે છેતરપિંડી થયાનો બનાવ સામે આવ્યો છે. ઉનાના બે શખ્સોએ અઘોરી વિધિ દ્વારા જમીનમાંથી હીરા-માણેક અને સોનું કાઢી આપવાની લાલચ આપી કુલ રૂ. 76.66 લાખની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસએ બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ફરિયાદ મુજબ, ઉના ખાતે રહેતા આરીફ ગફાર ઉર્ફે ભુરો વરીયાળી નામનો શખ્સ 2024ના જાન્યુઆરી મહિનામાં વૃદ્ધાના ઘરે આવ્યો હતો. તેણે જણાવ્યું કે તેને એક અઘોરી તાંત્રિક મળ્યો છે, જે અમોદ્રા મસાણ નજીક જમીનમાં રહેલા અબજો રૂપિયાના ખજાનાને બહાર કાઢી આપી શકે છે. આ માટે તાંત્રિક વિધિ કરવાની જરૂર હોવાનું કહી તેણે વૃદ્ધાને વિશ્વાસમાં લીધી હતી.

થોડા દિવસ બાદ તેણે વૃદ્ધાને પ્રભાસપાટણ રોડ પર આવેલી એક દરગાહ ખાતે લઈ જઈ તાંત્રિક સાથે મુલાકાત કરાવી હતી. તાંત્રિકે પણ વિધિ સફળ થવાની ખાતરી આપતા વૃદ્ધાનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો. ત્યારબાદ વિધિ માટે રોકડા રૂપિયા તેમજ સોનાની વિવિધ વસ્તુઓ માગવામાં આવી હતી.

આરોપીઓએ અલગ-અલગ બહાનાં આપી સમયાંતરે રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવ્યા હતા. જેમાં સોનાના નાગ, ચેઈન, વીંટી, પેડલ સહિતની વસ્તુઓ તેમજ રોકડા મળીને કુલ રૂ. 76,66,645 જેટલી રકમ ઠગાઈથી મેળવી હતી.

લાંબા સમય સુધી કોઈ પરિણામ ન મળતાં અને આરોપીઓનો સંપર્ક ન થતાં વૃદ્ધાને શંકા ગઈ હતી. પૈસા અને દાગીના પરત માંગતાં આરોપીએ ધમકીઓ આપતાં અંતે વૃદ્ધાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

વેરાવળ પોલીસે ઉનાના આરીફ ગફાર ઉર્ફે ભુરો વરીયાળી તેમજ અમોદ્રાના તાંત્રિક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-