ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

Kalam Ki Sarkar News / Mumbai: બોલિવૂડ અભિનેતા ઈમરાન ખાનને ફોરેનર્સ રીજિયોનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO) દ્વારા 28 ઑક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપવામાં આવતાં મામલો ચર્ચામાં આવ્યો છે. આ દરમિયાન ઈમરાન ખાનના મામા અને અભિનેતા આમિર ખાને રવિવારે મુંબઈના દાદર ખાતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેના નિવાસસ્થાને જઈ તેમની મુલાકાત લીધી હતી. આ મુલાકાતને પગલે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.
મળતી માહિતી અનુસાર, ગત 10 ઑક્ટોબરે મુંબઈમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન અમેરિકન નાગરિકતા ધરાવતા ઈમરાન ખાનની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટના બાદ મુંબઈ સ્થિત FRRO દ્વારા તેમને 28 ઑક્ટોબર સુધીમાં ભારત છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
ઈમરાન ખાને આ નોટિસને બોમ્બે હાઈકોર્ટમાં પડકારી છે. પોતાની અરજીમાં તેમણે નોટિસને મનસ્વી, ગેરવાજબી અને કાયદાકીય રીતે ખોટી ગણાવી છે. તેમનો દાવો છે કે તેમને સુનાવણીની તક આપ્યા વિના જ ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે ભારતીય બંધારણના અનુચ્છેદ 14 અને અનુચ્છેદ 21 હેઠળ મળેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.
આ ઉપરાંત, FRRO દ્વારા ઈમરાન ખાનને તેમના ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા (OCI) રજિસ્ટ્રેશનને શા માટે રદ ન કરવું તે અંગે કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે. જોકે, નોટિસમાં એ બાબતનો સ્વીકાર કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે કે માત્ર વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવો, અટકાયત થવી અથવા FIR નોંધાવવી એ ગુનો સાબિત થવાનો નિર્ણાયક પુરાવો નથી. તેથી માત્ર આવા આધાર પર સીધું OCI રજિસ્ટ્રેશન રદ કરી શકાય નહીં.
આ સમગ્ર વિવાદ વચ્ચે આમિર ખાનની રાજ ઠાકરે સાથેની મુલાકાતે ચર્ચાઓને વેગ આપ્યો છે. જોકે, બંને વચ્ચેની મુલાકાત દરમિયાન કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી તે અંગે સ્પષ્ટ માહિતી સામે આવી નથી. બીજી તરફ, ઈમરાન ખાન દ્વારા FRROની નોટિસ સામે દાખલ કરવામાં આવેલી અરજીનો મામલો હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો છે.
