પંચમહાલના ઘોઘંબામાં ‘ખેત બચાવો અભિયાન’ અંતર્ગત ખેડૂત જાગૃતિ કાર્યક્રમ યોજાયો, 80 આદિવાસી ખેડૂતોને અપાયું માર્ગદર્શન

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

Kalam Ki Sarkar News / Ghoghamba, Panchmahal: આણંદ સ્થિત ભા.કૃ.અનુ.પ.-ભારતીય મૃદા અને જળ સંરક્ષણ સંસ્થાનના વાસદ સંશોધન કેન્દ્ર દ્વારા આદિજાતિ ઉપ-યોજના (TSP) હેઠળ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના નાથપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે ‘ખેત બચાવો અભિયાન’ અંતર્ગત ખેડૂત જાગૃતિ કાર્યક્રમ અને ખેડૂત ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં TSP હેઠળ દત્તક લેવાયેલા નાથપુરા જળગ્રહણ વિસ્તારના 63 પુરુષો અને 17 મહિલાઓ સહિત કુલ 80 જેટલા આદિવાસી ખેડૂતો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમના પ્રારંભે સંશોધન કેન્દ્રના વડા ડૉ. એમ.જે. કલેઢોણકરે કેન્દ્ર દ્વારા આદિજાતિ ઉપ-યોજના હેઠળ હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અને તેની સફળતાઓ અંગે માહિતી આપી હતી. તેમણે ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવા તેમજ જળ સંરક્ષણની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રના વૈજ્ઞાનિકોએ જમીનના સ્વાસ્થ્યનું મહત્વ, સંતુલિત ખાતર વ્યવસ્થાપન (INM), સેન્દ્રિય ખાતર અને વર્મીકમ્પોસ્ટના ઉપયોગ તેમજ જળગ્રહણ વિસ્તારને અનુરૂપ જમીન અને જળ સંરક્ષણના ઉપાયો અંગે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

પંચમહાલ જિલ્લાના બાગાયત અધિકારી શ્રીમતી અલ્કાબેને જિલ્લામાં અમલી વિવિધ બાગાયતી યોજનાઓની માહિતી આપી હતી. તેમણે ફળ-શાકભાજીની ખેતી, મધમાખી પાલન અને બગીચા આધારિત આજીવિકાના વિકલ્પો અપનાવવા અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત શુભમંગલમ ફાઉન્ડેશનના (NGO) શ્રી સંદીપભાઈએ ઉપસ્થિત રહી આદિવાસી ખેડૂતોના ઉત્થાન માટે સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોને બિરદાવ્યા હતા.

કાર્યક્રમના બીજા સત્રમાં સંયોજક ડૉ. ડી. દિનેશે વર્મીકમ્પોસ્ટ બેડ તૈયાર કરવાની પદ્ધતિનું પ્રાયોગિક નિદર્શન કર્યું હતું. તેમણે જમીનની ફળદ્રુપતા ચકાસવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી જમીનના નમૂના લેવાની રીત તેમજ સોઇલ હેલ્થ કાર્ડના ફાયદા અંગે પણ સમજણ આપી હતી. ત્યારબાદ યોજાયેલી ખેડૂત ગોષ્ઠિમાં ખેડૂતોએ પાક, જમીન અને જળ વ્યવસ્થાપનને લગતા પ્રશ્નો અને મૂંઝવણો રજૂ કરી હતી, જેનું નિષ્ણાતોએ સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ કર્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટેકનિકલ અધિકારી શ્રી ડી.જી. ડામોરે કર્યું હતું, જ્યારે અંતે સિનિયર ટેકનિકલ ઓફિસર (STO) શ્રી આનંદ કુમારે આભારવિધિ કરી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સોઇલ હેલ્થ કાર્ડના વિશ્લેષણ માટે વૈજ્ઞાનિકોની ટીમે ખેડૂતોનાં ખેતરોમાંથી જમીનના નમૂના એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી હતી.

આ આયોજનથી વિસ્તારના આદિવાસી ખેડૂતોમાં સંતુલિત ખાતરના ઉપયોગ, સેન્દ્રિય ખેતી અને જળ સંરક્ષણ અંગે જાગૃતિ વધારવાનો પ્રયાસ થયો છે. આ જાગૃતિ અને વૈજ્ઞાનિક માર્ગદર્શન આગામી સમયમાં ખેડૂતોના આર્થિક ઉત્થાનમાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.



આ પણ વાંચો :-