ભામૈયા ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર અને પ્રદર્શન યોજાયું, મોટી સંખ્યામાં પશુપાલકોએ લીધો લાભ

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

Kalam Ki Sarkar News / Panchmahal: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભામૈયા ગામે આવેલા પૂજ્ય દાદા ભગવાન ત્રિમંદિર પરિસરમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર સહ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા અને પશુપાલન સંબંધિત શિક્ષણ તથા નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવ્યું હતું.

આ પ્રસંગે પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નીરજભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર, ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજી અને ગોધરા તાલુકા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી લીલાબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતના વિવિધ સભ્યોએ પણ હાજરી આપી હતી.

પશુપાલકોને આધુનિક ટેકનોલોજી અને પશુપાલનની વૈજ્ઞાનિક પદ્ધતિઓથી માહિતગાર કરવાના હેતુથી યોજાયેલી આ શિબિરમાં પંચામૃત ડેરીના ડેપ્યુટી જનરલ મેનેજર ડૉ. બી.એચ. પટેલ, ડૉ. જે.વી. પટેલ (નાપનિશ્રી) તેમજ ઘપસુયો ડૉ. મનુભાઈ વણકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વેટરનરી પોલિક્લિનિક, ગોધરાની ટીમના નિષ્ણાત પશુચિકિત્સકો ડૉ. બામણીયા, ડૉ. ઉત્સવ બારીયા અને ડૉ. આર.એન. પટેલે પશુઓની સારસંભાળ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમમાં સંયુક્ત પશુપાલન નિયામક ડૉ. પી.એસ. ડામોરે ખાસ ઉપસ્થિત રહી પશુપાલકોને રોજગારીની તકો વધારવા અને દૂધ ઉત્પાદન ક્ષમતામાં સુધારો કરવા અંગે પાયાનું માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ તેમણે પંચમહાલ જિલ્લાના પશુપાલન વિભાગની ટીમને પશુપાલકોના ઉત્થાન માટે સતત કાર્યરત રહેવા પ્રોત્સાહિત કરી હતી.

શિબિરની સાથે યોજાયેલું પશુપાલન પ્રદર્શન પણ પશુપાલકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ પશુપાલકોને આધુનિક અને વૈજ્ઞાનિક પશુપાલન પદ્ધતિઓ અંગે માહિતગાર કરી તેમના વ્યવસાયને વધુ સક્ષમ બનાવવાનો રહ્યો હતો.



આ પણ વાંચો :-