મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી 19 અને 20 મેના રોજ પંચમહાલ જિલ્લાની મુલાકાતે…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ જિલ્લામાં આગામી તા. 19 અને 20 મે, 2026 દરમિયાન રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની મહત્વપૂર્ણ મુલાકાત યોજાનાર છે. રાજ્યપાલશ્રી હાલોલ અને કાલોલ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

રાજ્યપાલશ્રીની મુલાકાતને લઈને જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્રમોના સુચારુ આયોજન અને રાજ્યપાલશ્રીના પ્રોટોકોલ મુજબની તમામ વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

હાલોલમાં પ્રાકૃતિક ખેતી સેમિનાર

તા. 19 મેના રોજ હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે “પ્રાકૃતિક ખેતી ખેડૂત સંગઠનો” વિષયક રાજ્ય કક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં રાજ્યપાલશ્રી ખાસ ઉપસ્થિત રહી ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનોને સંબોધન કરશે.

મલાવ ગામે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ

તા. 20 મેના રોજ કાલોલ તાલુકાના મલાવ ગામ ખાતે “ગ્રામ કલ્યાણ કાર્યક્રમ” યોજાશે, જેમાં રાજ્યપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ સંબંધિત વિભાગોને પીવાનું પાણી, માર્ગોની સ્વચ્છતા, અવિરત વીજ પુરવઠો તેમજ મેડિકલ ટીમની સુવિધા સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હરેશ દુધાત, ઇનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એમ. દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.જે. પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :-