હાલોલ ખાતે પ્રાકૃતિક ખેતીના પ્રસાર માટે 34 સંસ્થાઓ સાથે થયેલા MoUની સમીક્ષા બેઠક યોજાઈ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલી ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં કુલપતિશ્રી પ્રો. (ડૉ.) સી. કે. ટીંબડીયાના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ યુનિવર્સિટી દ્વારા વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે થયેલા સમજૂતી કરારો (MoU) અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા અને ભવિષ્ય માટેનું આયોજન નક્કી કરવાનો હતો.

યુનિવર્સિટીએ પ્રાકૃતિક કૃષિના પ્રસાર માટે દેશભરની કુલ 34 પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે ભાગીદારી સ્થાપી છે. તેમાં બિકાનેર, જોધપુર અને રાહુરી કૃષિ યુનિવર્સિટી જેવી શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશન, BAIF, INO, ભાસ્કર સાવેજી તાલીમ કેન્દ્ર (દહેરી) અને એસ.પી. યુનિવર્સિટી જેવી જાણીતી સંસ્થાઓનો સમાવેશ થાય છે.

આ સમીક્ષા બેઠકમાં 24 જેટલી સંસ્થાઓના પ્રતિનિધિઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. ચર્ચા દરમિયાન તમામ સંસ્થાઓએ પોતાના કાર્યક્ષેત્રમાં ગામો દત્તક લઈ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે સક્રિય કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે જ યુનિવર્સિટીના સંશોધન અને શિક્ષણ ક્ષેત્રને વધુ ગતિશીલ બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

બેઠક દરમિયાન અત્યાર સુધી થયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી અને ભવિષ્ય માટે એક વિસ્તૃત ‘એક્શન પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો, જેથી પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રે ગુણવત્તાસભર પરિણામો પ્રાપ્ત થઈ શકે.

આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. રશ્મિકાંત ગુર્જર તથા માઇક્રોબાયોલોજી નિષ્ણાત ડૉ. રઘુનંદન દ્વારા પ્રાકૃતિક કૃષિ વિષયક મહત્વપૂર્ણ ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ સમીક્ષા બેઠક પ્રાકૃતિક ખેતીના અભિયાનને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે અને વિવિધ સંસ્થાઓ વચ્ચે સંકલન વધારવામાં સકારાત્મક પરિણામો આપશે.

આ પણ વાંચો :-