નસવાડીના ઇતિહાસમાં પ્રથમવાર પ્રભુ જગન્નાથની ભવ્ય રથયાત્રા, હરિભક્તોમાં જોવા મળ્યો અદભૂત ઉત્સાહ…

છોટાઉદેપુર, જાવેદ એન કુરેશી :-

નસવાડી: નસવાડી નગરના ઇતિહાસમાં આજે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. પ્રથમ વખત ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલદેવજી અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા ભક્તિમય વાતાવરણ વચ્ચે નીકળી હતી. પ્રથમ રથયાત્રાને લઈને સમગ્ર નગર તેમજ આસપાસના પંથકમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

રથયાત્રાનો પ્રારંભ નગરના જાણીતા ‘જય અંબે ટ્રેડર્સ’ ખાતેથી વૈદિક મંત્રોચ્ચાર અને પૂજા-અર્ચના સાથે કરવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજી ભવ્ય રીતે સજાવેલા રથમાં બિરાજમાન થઈ નગરયાત્રાએ નીકળ્યા ત્યારે સમગ્ર વિસ્તાર “જય જગન્નાથ” અને “હરે કૃષ્ણ” ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો.

રથયાત્રા નસવાડીના મુખ્ય માર્ગો પરથી ભક્તિભાવ સાથે પસાર થઈ હતી. માર્ગમાં અનેક સ્થળોએ હરિભક્તો અને સ્થાનિક લોકોએ પ્રભુની આરતી ઉતારી પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. પ્રથમ વખત યોજાયેલી આ રથયાત્રાના દર્શન કરવા માટે માત્ર નસવાડી નગર જ નહીં પરંતુ આસપાસના અનેક ગામોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

અબાલવૃદ્ધ સૌ કોઈમાં પ્રભુના દર્શન કરવાની અને રથની દોરી ખેંચવાની અનોખી આતુરતા જોવા મળી હતી. ભક્તોના જયઘોષ અને ભક્તિમય માહોલે સમગ્ર નગરને આધ્યાત્મિક રંગમાં રંગી દીધું હતું.

નગરના વિવિધ માર્ગો પર ભ્રમણ કર્યા બાદ આ પવિત્ર રથયાત્રા બાપા સીતારામ મંદિર ખાતે પહોંચી હતી. ત્યાં મહાઆરતી અને પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમનું ભક્તિપૂર્ણ વાતાવરણમાં વિધિવત સમાપન કરવામાં આવ્યું હતું.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સ્થાનિક આગેવાનો, આયોજકો તથા સ્વયંસેવકોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. નસવાડીના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલી આ ભવ્ય રથયાત્રા નગરજનો માટે એક યાદગાર અને ઐતિહાસિક પ્રસંગ બની રહી છે.



આ પણ વાંચો :-