નસવાડી ખાતે અશ્વિન નદી કિનારે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય મેળો યોજાયો…

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી ખાતે અશ્વિન નદીના કિનારે મહાશિવરાત્રીના પાવન અવસરે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મેળામાં ભક્તો અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
મેળામાં વહેલી સવારથી જ લોકો આવવા લાગ્યા હતા અને દિવસ દરમિયાન નસવાડી તાલુકાના આજુબાજુના ગામોમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. પરિવાર સાથે લોકો મેળાની મુલાકાતે આવી આનંદમય માહોલનો લાભ લીધો હતો.
મેળામાં અવનવી રમકડાની દુકાનો, ઘરગથ્થુ સામાન તથા વિવિધ ખાદ્ય પદાર્થોની દુકાનો લાગી હતી, જેના કારણે બાળકો થી લઈને વડીલો સુધી સૌમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.સાથે સાથે મહાદેવ મંદિર પર દર્શન કરવા માટે ભક્તો ની ભીડ એક લાઇન માં ઊભી રહી જોવા મળી હતી અને દર્શન કર્યા બાદ ભક્તો દ્વારા પ્રસાદી વહેંચવામાં આવી હતી અને આ મેળામાં ટેટુ પડાવવા નો ક્રેઝ પણ યુવાનોમાં જોવા મળ્યા હતા
ખાસ કરીને શેરડીની દુકાનો મેળાની મુખ્ય આકર્ષણ બની હતી. મોટી સંખ્યામાં લોકોએ શેરડીની ખરીદી કરી અને પરંપરાગત રીતે તેનો સ્વાદ માણ્યો હતો, જેના કારણે મેળાની રોનક વધુ વધતી જોવા મળી હતી.
મેળામાં ધાર્મિક ભાવના સાથે મનોરંજનનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન મેળામાં ઉમટી પડેલી ભીડે ભક્તિભાવ સાથે મેળાનો આનંદ માણ્યો હતો.
આ મેળો નસવાડી વિસ્તારમાં સામાજિક અને ધાર્મિક એકતાનું પ્રતિક બની રહ્યો હતો.