ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

ગોધરા શહેરે ફરી એકવાર માનવતાનું, પ્રેમનું અને સમાજમાં સમાનતાનું અનોખું ઉદાહરણ આપ્યું છે. ગોધરાના ભુરાવાવ વિસ્તારની જય ઝુલેલાલ સોસાયટીમાં રહેતા કિન્નર પરિવાર રિંકુ દે અને સંગીતા દે દ્વારા સમાજને સ્પર્શી જાય તેવી એક પ્રેરણાદાયી ઘટના સમાજ સમક્ષ જાહેર કરી છે, જે દરેક માતા-પિતાને અને સમગ્ર સમાજને વિચારવા મજબૂર કરે તેવી છે.
આ કિન્નર દંપતીએ પાયલ રણવીરસિંહ નામની એક નાનકડી દીકરીને ત્યારે દત્તક લીધી હતી જ્યારે તે માત્ર દોઢ વર્ષની હતી. તે સમયે દીકરી પાસે કોઈ આધાર નહોતો, કોઈ આશ્રય નહોતો. ત્યારે રિંકુ દે અને સંગીતા દે એ દીકરીને પોતાની સંતાન સમજી પોતાના ઘરમાં જ નહી દિલમાં પણ સ્થાન આપ્યું અને તેના જીવનને નવી દિશા આપી.
દત્તક લીધા પછી દીકરીના પાલન-પોષણ, શિક્ષણ, સંસ્કાર અને સુરક્ષા માટે કિન્નર પરિવારે પોતાની તમામ શક્તિ લગાવી દીધી. સમાજમાં આજે પણ કિન્નર સમાજ પ્રત્યે અનેક પ્રકારના પૂર્વગ્રહ અને ભેદભાવ જોવા મળે છે, પરંતુ આ કિન્નર પરિવારે સાબિત કરી દીધું કે “માવતર બનવા માટે શરીર નહીં, પરંતુ હૃદય મોટું હોવું જરૂરી છે.”
પાયલ દીકરીને માત્ર ખોરાક અને કપડાં પૂરાં પાડવામાં જ નહીં, પરંતુ તેને શિક્ષણ અપાવી, સારા સંસ્કારો આપી અને સમાજમાં આત્મવિશ્વાસથી જીવવા માટે તૈયાર કરી. વર્ષો સુધી દીકરીને પોતાની દીકરીની જેમ ઉછેરીને આજે તેના લગ્નની જવાબદારી પણ સંપૂર્ણ રીતે કિન્નર સમાજે ઉપાડી હતી.
કિન્નર સમાજની સાથે ઊભા રહી અનેક સભ્ય નાગરિકો દ્વારા 14 ફેબ્રુઆરીના રોજ આણંદથી આવેલી જાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દીકરી પાયલના લગ્ન પરંપરાગત રીતિ-રિવાજો અનુસાર, વિધિવિધાન અને ધામધૂમથી સંપન્ન કરાયા હતા.લગ્ન પ્રસંગે કિન્નર સમાજના સભ્યોએ માતા-પિતાની જેમ તમામ વિધિઓ કરી હતી જેથી કન્યાદાનથી લઈને વિદાય સુધીની દરેક ક્ષણ ભાવુક અને ગૌરવભરી બની રહી હતી.
દીકરીના કરિયાવરથી લઈને લગ્નનો તમામ ખર્ચ કિન્નર સમાજે પોતાના ખભે ઉઠાવ્યો હતો અને કોઈ દાન કે મદદની અપેક્ષા રાખ્યા વગર, પોતાની કમાણીમાંથી દીકરીના સુખ માટે બધું કર્યું હતું…આ માત્ર એક લગ્ન સમારોહ નહોતો, પરંતુ સમાજને સ્પષ્ટ સંદેશ આપતો એક જીવંત ઉદાહરણ હતો કે કિન્નર સમાજ પણ સંવેદનશીલ, જવાબદાર અને માનવતાપૂર્ણ જીવન જીવે છે.
આ સમગ્ર ઘટનાએ આસપાસના વિસ્તારોમાં પણ ચર્ચા જગાવી છે. લોકો આ કિન્નર પરિવારની પ્રશંસા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આજના સમયમાં જ્યાં ઘણા માતા-પિતા પોતાની દીકરીઓ પ્રત્યે જવાબદારીથી દૂર ભાગે છે, ત્યાં કિન્નર સમાજે એક અનાથ દીકરીને પોતાની દીકરી બનાવી તેના લગ્ન સુધીની જવાબદારી નિભાવવી ખરેખર ગૌરવની વાત છે.
આ પ્રસંગ સમાજમાં સમાનતા, સ્વીકાર અને પ્રેમનો મજબૂત સંદેશ આપે છે. કિન્નર સમાજ પ્રત્યે જે નકારાત્મક માનસિકતા છે, તેને તોડવા માટે આ ઘટના પ્રેમભાવના પ્રતિક સમાન સાબિત થશે. “લોહીનો સંબંધ નહીં, પરંતુ લાગણીનો સંબંધ સૌથી મોટો હોય છે” આ વાતને આ કિન્નર પરિવારે પોતાના કાર્યથી સાબિત કરી બતાવી છે.
અંતે કલમ કી સરકાર પરિવાર તરફથી દીકરી પાયલ રણવીરસિંહને સુખી અને સમૃદ્ધ લગ્નજીવન માટે હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવવામાં આવે છે. આ કિન્નર સમાજની સેવા, ત્યાગ અને માનવતાની ભાવનાને શતશઃ નમન કરી શકાય તેમ છે.
આ ઘટના માત્ર ગોધરાની નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ માટે પ્રેરણારૂપ ઉદાહરણ બની રહેશે… જ્યાં માનવતા ધર્મથી મોટી સાબિત થાય છે અને “માવતર” શબ્દને નવો અર્થ મળે છે…