સ્વ-વસ્તી ગણતરીમાં જોડાવા મહીસાગર SP સફીન હસનની અપીલ…

લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-


મહીસાગર જિલ્લાના નાગરિકોને આગામી વસ્તી ગણતરી પ્રક્રિયામાં ઉત્સાહભેર જોડાઈ સાચી અને સચોટ માહિતી આપવા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસને અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે દેશના વિકાસ અને ભવિષ્યના આયોજન માટે વસ્તી ગણતરી અત્યંત મહત્વપૂર્ણ છે.


ગુજરાત રાજ્યમાં આગામી તા. 1 જૂન, 2026થી વસ્તી ગણતરીની કામગીરી શરૂ થવા જઈ રહી છે. તે પૂર્વે નાગરિકોને વધુ સરળ અને પારદર્શક સુવિધા મળી રહે તે હેતુથી તા. 17 મે, 2026થી ‘સ્વ-વસ્તી ગણતરી’ (Self-Enumeration) ની ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.


શ્રી સફીન હસને જણાવ્યું હતું કે જિલ્લાના નાગરિકો હવે se.census.gov.in પોર્ટલ પર જઈ ઘેરબેઠા પોતાની તથા પોતાના પરિવારની માહિતી ઓનલાઈન નોંધાવી શકશે. પોર્ટલ પર પૂછવામાં આવતા પ્રશ્નોના સાચા જવાબો આપીને નાગરિકો આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યમાં સહભાગી બની શકે છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે વસ્તી ગણતરી દરમિયાન મળતી માહિતીના આધારે સરકાર દ્વારા વિકાસલક્ષી યોજનાઓ અને સુવિધાઓનું આયોજન કરવામાં આવે છે. તેથી દરેક નાગરિકે જવાબદારીપૂર્વક અને ચોકસાઈથી માહિતી આપવી જરૂરી છે.


જિલ્લા પોલીસ અધિક્ષકે અંતમાં મહીસાગરના નાગરિકોને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી આ ઓનલાઈન સુવિધાનો લાભ લેવા અને દેશના સુદ્રઢ ભવિષ્ય માટે પોતાના યોગદાનની ફરજ નિભાવવાની અપીલ કરી હતી.