ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

અમદાવાદ : અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ જાણીતા ‘અભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર’ જ્વેલર્સ શોરૂમમાં કરોડોની ચોરીના કેસનો ચોંકાવનારો ભેદ ઉકેલાયો છે. શોરૂમમાં જ સેલ્સગર્લ તરીકે કામ કરતી યુવતીએ પોતાના પ્રેમી સાથે મળીને અંદાજે 1.11 કરોડ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જવાનો કાવતરું રચ્યું હતું. જોકે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ તપાસ અને CCTV ફૂટેજના આધારે બંને આરોપીઓને ઝડપી પાડી સમગ્ર ઘટનાનો ભાંડો ફોડી નાખ્યો છે.
મળતી માહિતી મુજબ, નિકોલના અનમોલ સર્કલ નજીક આવેલા ગ્રેવિટી શોપિંગ મોલમાં ‘અભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર’ નામનો મોટો જ્વેલરી શોરૂમ આવેલો છે. શોરૂમ મેનેજમેન્ટ દ્વારા નિયમિત સ્ટોક વેરિફિકેશન કરવામાં આવતા દાગીનાના સ્ટોકમાં મોટી ગડબડ સામે આવી હતી. તપાસ દરમિયાન કુલ 1,211.991 ગ્રામ જેટલું સોનું ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. ચોરાયેલા દાગીનામાં સોનાની ચેઈન, વીંટી, બંગડીઓ, મંગળસૂત્ર, પેન્ડન્ટ, સોનાની ઘડિયાળ સહિત અનેક કિંમતી ઘરેણાંનો સમાવેશ થતો હતો, જેની કુલ કિંમત અંદાજે 1.11 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું હતું.
આંતરિક તપાસ દરમિયાન શોરૂમના માલિક દર્શનભાઈ જૈનને ત્યાં કામ કરતી સેલ્સગર્લ હર્ષિદા શેટ્ટી પર શંકા ગઈ હતી, કારણ કે સ્ટોકમાં ગડબડ સામે આવ્યા બાદ તે અચાનક ગાયબ થઈ ગઈ હતી. ત્યારબાદ માલિકે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન શોરૂમના CCTV ફૂટેજ ચેક કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. વીડિયોમાં હર્ષિદા શોરૂમના કબાટમાંથી સોનાના દાગીના કાઢીને પોતાના કપડાંમાં છુપાવતી સ્પષ્ટ દેખાઈ રહી હતી. બાદમાં તે ઉપરના માળે જઈ પોતાની બેગ લઈને શોરૂમની બહાર નીકળી જતી પણ કેમેરામાં કેદ થઈ હતી.
આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ અને નિકોલ પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ એનાલિસિસ, મોબાઈલ લોકેશન અને વિવિધ CCTV ફૂટેજના આધારે આરોપી હર્ષિદા શેટ્ટીને અમદાવાદમાંથી જ ઝડપી પાડવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે ચોરીના સમગ્ર કાવતરામાં તેના પ્રેમીની પણ સક્રિય સંડોવણી હતી. બંનેએ અગાઉથી આયોજનબદ્ધ રીતે થોડા-થોડા દાગીના ગાયબ કર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હર્ષિદા સારી અને વૈભવી જીવનશૈલી જીવવાની લાલચમાં આવી આ ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી બાદ તે પોતાના પ્રેમી સાથે દિલ્હી અને ઋષિકેશ ફરવા પણ ગઈ હતી. તેનો પ્રેમી અમદાવાદમાં જ પ્રિન્ટિંગ મશીનના કામ સાથે સંકળાયેલો હોવાનું પણ સામે આવ્યું છે.
હાલ પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. બંનેના બેન્ક એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન, મોબાઈલ કોલ ડિટેઈલ રેકોર્ડ (CDR) અને દાગીના ક્યાં વેચાયા કે છુપાવવામાં આવ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર ચોરીના કેસમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ તેજ કરી છે.